પાંચ દિવસ સુધી ભારે વરસાદ પડશે, મેઘરાજા સૌરાષ્ટ્રથી અમદાવાદ સુધી ધમધમશેઃ અંબાલાલ પટેલની આગાહી
ગુજરાત વરસાદ અપડેટ:
ગુજરાતમાં ચોમાસુ ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે. ત્યારે આજે (25મી જૂન) વહેલી સવારથી જ રાજ્યના મોટાભાગના તાલુકાઓમાં વરસાદ જોવા મળ્યો હતો. દરમિયાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
અંબાલાલ પટેલની આગાહીઓ :
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ આગામી પાંચ દિવસમાં વરસાદથી વંચિત ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતા છે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, છોટાઉદેપુર અને આણંદ જેવા શહેરોમાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ જારી રહેવાની શક્યતા છે. રાજ્યભરમાં 28 જૂનથી 5 જુલાઈ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે. આ ઉપરાંત જુલાઈના અંત સુધીમાં કેટલાક વિસ્તારોમાં 10 ઈંચ જેટલો વરસાદ થવાની સંભાવના છે.
રાજ્યમાં વરસાદનું યલો એલર્ટ:
હવામાન વિભાગની આગાહી અનુસાર, આજથી પાંચ દિવસ સુધી રાજ્યમાં ભારે પવન અને વીજળીના કડાકા-ભડાકાની શક્યતા છે. આ ઉપરાંત ત્રણ દિવસ વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાં વ્યાપક વરસાદની ચેતવણીના ભાગરૂપે NDRFની ટીમો ગીર સોમનાથ, ભાવનગરના દ્વારકા અને નર્મદામાં તૈનાત કરવામાં આવી છે.