![]()
અમદાવાદ ક્રાઈમ ન્યૂઝ: અમદાવાદના ચાંદખેડા વિસ્તારના જુંડાલ પાસે તિક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરાયેલી યુવકની લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે. મૃતકની પત્નીએ આ મામલે ગંભીર આરોપ લગાવતા પોલીસને જણાવ્યું કે, ‘મારા પતિને પ્રેમ અને પૈસા માટે બ્લેકમેલ કરવામાં આવતો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતી હતી.’
શું છે સમગ્ર ઘટના?
મળતી માહિતી મુજબ, મૃતકની ઓળખ ગાંધીનગર જિલ્લાના પેથાપુરના રહેવાસી જશ્મિતસિંહ તરીકે થઈ છે. ચાંદખેડા પોલીસના જણાવ્યા અનુસાર, 12 મેના રોજ સાંજે અજાણ્યા શખ્સોએ જશ્મિતસિંહ પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો. હુમલાખોરોએ યુવકની છાતી, પીઠ, હાથ અને બગલમાં અનેક જીવલેણ ઘા કર્યા, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું.
જશ્મિતસિંહની પત્ની અજીતકૌર શીખલીગરે પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે 12 મેના રોજ સાંજે મારા પતિ બાઇક લઈને ઘરેથી નીકળ્યા હતા, પરંતુ પાછા આવ્યા ન હતા. બીજા દિવસે સવારે તેણીને પોલીસ દ્વારા જાણ કરવામાં આવી કે તેના પતિની હત્યા કરવામાં આવી છે. જસમિત સિંહની લોહીથી લથપથ લાશ ઝુંડાલ વિસ્તારમાં એક ધૂળિયા રસ્તા પરથી મળી આવી હતી.
આ પણ વાંચોઃ ગોધરામાં કરુણ ઘટના, જૂનું મકાન તોડતી વખતે દિવાલ પડી, પિતા-પુત્ર દટાયા
બ્લેકમેલ અને ધાકધમકીનો આરોપ
મૃતકની પત્ની અજીતકૌરે આરોપ લગાવ્યો છે કે એક મહિલા મારા પતિ સાથે છેલ્લા ચાર-પાંચ વર્ષથી સંબંધમાં હતી. મહિલા સતત જશ્મિતસિંગને પૈસા માટે બ્લેકમેલ કરતી હતી. આ સિવાય મહિલાને સુરજીત ટાંક અને માનસિંહ ટાંક નામના વ્યક્તિઓ દ્વારા તેના પતિને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી હતી.
પોલીસ તપાસ અને પુરાવા
તપાસ દરમિયાન, જશ્મિતસિંહની બાઇક કથિત મહિલાના ઘરની બહાર પાર્ક કરેલી મળી આવી હતી, જે કેસમાં મુખ્ય પુરાવા તરીકે ગણવામાં આવે છે. ચાંદખેડા પોલીસે હવે અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
