![]()
છોટા ઉદેપુર નકલી રસીદ કૌભાંડ: ગુજરાતમાં નકલી ઓફિસો, નકલી પોલીસ અને નકલી ટોલ બૂથ બાદ હવે નકલી ટેક્સ રસીદનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. છોટા ઉદેપુર નગરપાલિકાના વોર્ડ નંબર 3માં મકાન માલિકોએ પાલિકાના નામે બોગસ વેરાની રસીદો રજુ કરીને વીજ જોડાણ મેળવી લીધા હોવાની ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે.
જાગૃત નાગરીકની રજુઆતથી ઉજાગર કરેલ છે
છોટા ઉદેપુરના એક જાગૃત નાગરિકે મધ્ય ગુજરાત વીજ કંપની (MGVCL) અને પાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરતાં સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. આ અરજીમાં જણાવાયું હતું કે વીજ જોડાણ મેળવવા માટે પાલિકાની બોગસ રસીદોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ગંભીર ફરિયાદ બાદ MGVCLના ડેપ્યુટી એન્જિનિયરે પાલિકાને પત્ર લખી તપાસ કરવા જાણ કરી હતી.
પાલિકાની તપાસમાં શું બહાર આવ્યું?
પાલિકાના ચીફ ઓફિસર ભાવિક બરજોડના જણાવ્યા મુજબ વોર્ડ નંબર 3માં પાંચ રસીદો બોગસ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આ બનાવટી દસ્તાવેજો પાલિકાના નામે જ તૈયાર કરવામાં આવ્યા હતા. હાલ આ મામલે વધુ તપાસ ચાલી રહી છે અને પૂરતા પુરાવા મળ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચોઃ આજથી રાજ્યવ્યાપી હેલ્મેટ ડ્રાઈવઃ સરકારી કર્મચારીઓ પણ પોલીસના રડારમાં, મહિનો ચાલશે
તપાસના નામે નાટક?
પ્રાથમિક તપાસમાં પાંચ રસીદો નકલી હોવાનું સાબિત થયું છે ત્યારે પાલિકાએ હજુ સુધી પોલીસ ફરિયાદ કેમ નોંધાવી નથી તેવા સવાલો ઉઠી રહ્યા છે. સરકારી નાણાની ચોરી અને સરકારી દસ્તાવેજો સાથે ચેડાં કરનારા તત્વો સામે કડક કાર્યવાહી કરવાને બદલે પાલિકા માત્ર તપાસ કરી રહી છે જેના કારણે સ્થાનિકોમાં રોષ ફેલાયો છે.
કડક કાર્યવાહીની માંગ
સરકારી તંત્રને છેતરીને બોગસ રસીદોના આધારે વીજ જોડાણ મેળવનારા મકાન માલિકો સામે તાત્કાલિક અસરથી કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. હવે જોવાનું એ રહે છે કે આ મામલે પાલિકા ક્યારે પોલીસ ફરિયાદ કરે છે.