![]()
શાહેરામાં MGVCLના દરોડા : મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (MGVCL) દ્વારા પંચમહાલના શહેરા-1 અને શહેરા-2 પેટા વિભાગના વિવિધ વિસ્તારોમાં મેગા ઇલેક્ટ્રિસિટી ચેકિંગ ડ્રાઇવ શરૂ કરવામાં આવી હતી. જેમાં 20 જેટલી વિજીલન્સ ટીમોએ 30 થી વધુ ગામોમાં ઓચિંતી વીજ ચેકીંગ કરી વીજ ચોરી કરતા તત્વોમાં ભારે દોડધામ મચી જવા પામી હતી. એમજીવીસીએલની ઝુંબેશમાં 79 કનેકશનોમાં વીજ ચોરી બદલ રૂ.10.96 લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે.
શહેરામાં MGVCL ની સપાટી
પંચમહાલના શહેરા-1 અને શહેરા-2 પેટા વિભાગ હેઠળ આવતા વિવિધ ફીડરોના વિસ્તારોમાં MGVCL દ્વારા મેગા વીજ ચેકીંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં શહેરની MGVCL કચેરી ખાતે વહેલી સવારે વિજીલન્સ ટીમો એકઠી કરવામાં આવી હતી, જ્યાં સમગ્ર વિસ્તારને અલગ-અલગ ઝોનમાં વિભાજીત કર્યા બાદ 20 જેટલી ટીમોએ ભદ્રાળા, ભોટવા, ગમન બારીયાણાના મુવાડા, નરસાણા, ખોજલવાસા અને નાડા સહિતના 30 ગામોમાં ઓચિંતી સર્ચ હાથ ધરી હતી.
30 ગામડાઓમાં દરોડા પાડી 79 કનેકશનમાં લંગરીયા ઝડપાયા
આ મેગા ચેકીંગ ડ્રાઇવ દરમિયાન કુલ 655 વીજ જોડાણોની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં 79 કનેકશનોમાં ગંભીર ગેરરીતિઓ અને સીધી વીજચોરી થતી હોવાનું જણાયું હતું જ્યાં લંગરિયા મૂકીને અને મીટરોમાં ચેડાં કરીને વીજ ચોરી કરવામાં આવતી હતી. વીજ ચોરી પ્રકરણમાં MGVCLને કુલ 10.96 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.
સમગ્ર મામલે નાયબ ઇજનેરે જણાવ્યું હતું કે, “વીજ ચોરી માત્ર કંપની માટે જ નહીં પરંતુ પ્રમાણિક ગ્રાહકો માટે પણ નુકસાનકારક છે. ચોરીથી વોલ્ટેજની સમસ્યા સર્જાય છે અને ટ્રાન્સફોર્મર બળી જવાના કિસ્સાઓ વધી જાય છે. અમે ‘ઝીરો ટોલરન્સ’ નીતિ અમલમાં મૂકી છે. આગામી દિવસોમાં તાલુકાના વિવિધ ગામોમાં આવી ઇમરજન્સી કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચોઃ પંચમહાલઃ શહેરાના પાલીખંડા રોડ પરના ખેતરમાં ભીષણ આગ, આકરી ગરમી વચ્ચે પાક બળી ગયો
શહેરા-1 અને 2 પેટા વિભાગોએ જાન્યુઆરી મહિનામાં 12,567 ગ્રાહકો પાસેથી રૂ.2.04 કરોડથી વધુની વસૂલાત કરી છે. જ્યારે ફેબ્રુઆરી મહિનામાં 21,934 ગ્રાહકો પાસેથી રૂ.2.57 કરોડથી વધુ અને માર્ચ મહિનામાં 11,400 ગ્રાહકો પાસેથી રૂ.1.20 કરોડથી વધુની વસૂલાત કરવામાં આવી છે. આમ ત્રણ મહિનામાં 45,901 ગ્રાહકો પાસેથી કુલ રૂ.5.82 કરોડની વસૂલાત કરવામાં આવી છે.
