![]()
સુરત કોર્પોરેશન : સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં વાયુ પ્રદુષણનું પ્રમાણ વધતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલમાં સુરત શહેરનો એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 300ને વટાવી ગયો હોવાથી હવે પ્રદુષણનું પ્રમાણ ઘટાડવા માટે મ્યુનિસિપલ પ્રશાસને અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે સ્મોગ ટાવર લગાવવાનું નક્કી કર્યું છે.
સુરત શહેરમાં વાયુ પ્રદુષણ ઘણા સમયથી વધી રહ્યું છે અને થોડા દિવસો પહેલા પણ શહેરનો AQI 300 થી ઉપર જતા શહેરમાં પ્રદુષણના સ્તર સામે અનેક સવાલો ઉભા થયા હતા અને પાલિકાની કામગીરી પર પણ સવાલો ઉઠ્યા હતા. આવી સ્થિતિમાં સુરતના લોકોની હાડમારી ઓછી કરવા માટે સ્મોગ ટાવર લગાવવામાં આવશે.
અગાઉ સુરત મહાનગરપાલિકાએ વસ્તાદેવડી રોડ પર સ્મોગ ટાવર લગાવ્યો છે અને હવે અમરોલી બ્રિજ નીચે ટાવર બનાવવાની યોજના છે. સ્મોગ ટાવરના બાંધકામ અને મશીનરી પાછળ અંદાજે રૂ. 33.91 લાખનો ખર્ચ થશે, જ્યારે જાળવણી અને સમારકામ પાછળ આગામી 3 વર્ષ માટે રૂ. 1,07,954નો ખર્ચ થશે. આમ, GST સાથે આ સમગ્ર પ્રોજેક્ટ અંદાજે 34.99 લાખ એટલે કે અંદાજે 35 લાખના ખર્ચે પૂર્ણ થશે. અગાઉ બે વખત ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, પરંતુ પાલિકાએ યોગ્ય પ્રતિસાદ ન મળતા ત્રીજી વખત ટેન્ડર બહાર પાડ્યું હતું. જેમાં જ્હાન્વી ઈન્ટરનેશનલ નામની એજન્સીએ ટેન્ડર મેળવ્યું છે, આ સ્મોગ ટાવરનો ખર્ચ સુરતના પૂર્વ સાંસદની ગ્રાન્ટમાંથી પાલિકાને મળશે. જ્યારે સ્મોગ ટાવરની જાળવણીનો ખર્ચ સુરત પાલિકા પોતાના ભંડોળમાંથી ઉઠાવશે.
