![]()
સુરતમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. નગરપાલિકાના રાંદેર ઝોનમાં આવેલા રિવરફ્રન્ટ ખાતે 10 જાન્યુઆરીના રોજ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવને સફળ બનાવવા સુરત મહાનગરપાલિકા જિલ્લા કલેક્ટર, પ્રવાસન વિભાગ અને અન્ય તંત્ર જોરદાર તૈયારીઓ કરી રહ્યું છે. આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં દેશ-વિદેશના 94 જેટલા પતંગબાજો પોતાનું કૌશલ્ય બતાવશે.
ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર અને મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે અડાજણ તાપી નદીના કિનારે રિવર ફ્રન્ટની બાજુમાં આવેલા પ્લોટમાં 10 જાન્યુઆરીએ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ તૈયારી માટે વિવિધ વિભાગોને અલગ-અલગ કામગીરી સોંપવામાં આવી છે.
આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં દેશ-વિદેશના 94 જેટલા પતંગબાજો ભાગ લેશે. જેમાં બહેરીન, કોલંબિયા, ફ્રાન્સ, જર્મની, પોલેન્ડ જેવા દેશોમાંથી 45 અને કર્ણાટક, મહારાષ્ટ્ર, પંજાબ, કેરળના 20 અને ગુજરાતમાંથી 29 મળીને કુલ 94 પતંગબાજો તેમના સ્ટંટ અજમાવતા જોવા મળશે. આ કાઈટ ફેસ્ટીવલમાં ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યો અને દેશ-વિદેશના પતંગબાજોની સાથે સુરત શહેરના ખેલૈયાઓ અને વિદ્યાર્થીઓ પણ જોવા મળશે.
