![]()
સાવરકુંડલાના માનવમંદિર ગુરુકુલના વિદ્યાર્થીમાં લક્ષણો જોવા મળ્યાઃ વિદ્યાર્થીને સારવાર માટે અમદાવાદ ખસેડાયો રિપોર્ટની રાહ: આરોગ્ય તંત્ર એલર્ટ, પશુપાલકો દ્વારા પશુપાલકોની ટીમોએ તપાસ કરી: દવાનો છંટકાવ
અમરેલી, : 12 વર્ષના લાંબા ગાળા બાદ અમરેલી જિલ્લામાં ફરી એકવાર કોંગો ફીવરનો શંકાસ્પદ કેસ નોંધાતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી જવા પામી છે. સાવરકુંડલા તાલુકાના પ્રસિદ્ધ માનવ મંદિર આશ્રમ ગુરુકુળના એક વિદ્યાર્થીમાં કોંગો ફીવર જેવા લક્ષણો દેખાતા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી છે.
પ્રાથમિક તપાસ અને સારવાર બાદ વિદ્યાર્થીને વધુ સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. તેમની તબિયત હાલ સ્થિર અને સારી હોવાનું આરોગ્ય અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે. આ શંકાસ્પદ કેસની જાણ થતાં જ અમરેલી જિલ્લાના આરોગ્ય વિભાગને સંપૂર્ણ એલર્ટ મોડ પર મૂકી દેવામાં આવ્યું છે. આરોગ્ય વિભાગની ટીમ માનવ મંદિર આશ્રમ ખાતે દોડી આવી હતી. ટીમે આશ્રમ, છાત્રાલય અને મુખ્યત્વે ગૌશાળાના વિસ્તારમાં સઘન તપાસ કરી હતી. પશુ વિભાગની ટીમોએ આ રોગનું મૂળ જાણવા માટે ગૌશાળામાંથી વિવિધ પ્રાણીઓના નમૂના લીધા છે. સાવચેતીના પગલારૂપે ગૌશાળા અને આસપાસના વિસ્તારમાં દવાઓનો છંટકાવ (ફ્યુમીગેશન) કરવામાં આવ્યો છે.
અમરેલી જિલ્લા તબીબી અધિકારી એ.કે.સિંધે શંકાસ્પદ કેસની પુષ્ટિ કરી છે. અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.આર.એમ.જોષીએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીને તાવ અને ઉલ્ટીના લક્ષણો હતા. શંકાસ્પદ કોંગોના લક્ષણો તેના લોહીના નમૂના 3જી ડિસેમ્બરે લેવામાં આવ્યા છે અને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે અને તેના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આશરે 12 વર્ષ પહેલા 2013ની આસપાસ અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના કરીયાણા ગામમાં કોંગો ફીવરના 8 જેટલા કેસ નોંધાયા હતા. ત્યારે સાવરકુંડલા, લીલીયા અને ધારીમાં પણ કેસ જોવા મળ્યા હતા. વર્ષો બાદ ફરી શંકાસ્પદ કેસ સામે આવતા તંત્ર દ્વારા સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.