– હીટરમાં ખામીને કારણે આગ લાગી હોવાનું અનુમાન
– ફ્લેટમાં ફર્નિચર, ઈલેક્ટ્રીકલ ઉપકરણો બળી ગયા હતા
સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં આગની ઘટનાઓ વધી રહી છે ત્યારે શહેરની મધ્યમાં આવેલા જીનતાન રોડ પર આવેલા ઢસા ફ્લેટના એક ફ્લેટમાં મોડી રાત્રે આગ લાગતા એક મકાન બળીને ખાખ થઈ ગયું હતું. પાલિકાના ફાયર ફાયટરની ટીમે ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી.
શહેરની મધ્યમાં આવેલ એક મકાન, ફ્લેટ નંબર 606, ઢસાના છઠ્ઠા માળે મોડી રાત્રે અચાનક આગની લપેટમાં આવી ગયું હતું. ફ્લેટમાં રહેતા તમામ લોકો સમયસર બહાર નીકળી જતાં જાનહાનિ ટળી હતી. જ્યારે ફ્લેટમાં રહેલ ફર્નીચર, ઈલેકટ્રીકલ ઉપકરણો સહિતનો સામાન આગમાં બળીને ખાખ થઈ જતા મોટુ નુકશાન થયુ હતુ. આગની ઘટના અંગે મહાનગરપાલિકાના ફાયર ફાઈટરની ટીમને જાણ કરવામાં આવતા તેઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ભારે જહેમત બાદ આગને કાબુમાં લેવામાં આવી હતી. જ્યારે પ્રાથમિક તપાસમાં હાલમાં ફ્લેટમાં હીટરમાં ખામીના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.