![]()
સુરત કોર્પોરેશન: સુરત મહાનગરપાલિકાના 11 જેટલા યુનિયનોએ છેલ્લા 10 વર્ષથી પાલિકા કચેરી પર ગેરકાયદેસર કબજો જમાવ્યો હતો. નોટિસ આપ્યા બાદ નગરપાલિકા પ્રશાસને વધુ સમય રાહ જોયા વગર રાત્રે જ ઓફિસનો કબજો લઈ લીધો હતો. આ મુદ્દે કોર્ટમાં કાર્યવાહી કરવામાં આવી હતી. તેમ છતાં સફળતા ન મળતા પાલિકાના સેન્ટ્રલ ઝોનમાં સાંઈબાબા મંદિર પાસે આવેલી પાલિકાની અન્ય એક મિલકત કે જે વર્ષોથી યુનિયનોના કબજામાં હતી તેને ખાલી કરવા માટે તબક્કાવાર નોટિસ આપી હતી. એક દિવસમાં કબજો ખાલી કરવા માટે આજે ત્રીજી અંતિમ નોટિસ આપવામાં આવી છે. ગઈકાલે સમય મર્યાદા પૂરી થઈ ગઈ હોવાથી પાલિકા ગમે ત્યારે કબજો લઈ શકે તેવી શક્યતાઓ છે.
સુરત મહાનગર પાલિકામાં ચાલતા 25 જેટલા યુનિયનોને માન્યતા રદ કર્યા બાદ મ્યુનિસિપલ કેમ્પસમાં આવેલી 11 ઓફિસો યુનિયનોના કબજામાં આવી ગઈ હતી. 20 નવેમ્બરે રાત્રી દરમિયાન પાલિકા દ્વારા તેનો કબજો લઈ અન્ય નગરપાલિકા કચેરીમાં ખસેડવામાં આવ્યો હતો. દરમિયાન યુનિયનો દ્વારા કોર્ટની મદદ લેવામાં આવી હતી. પરંતુ તેમાં સફળતા મળી ન હતી. હવે પાલિકાની વધુ એક મિલકત પર પાલિકાના યુનિયન દ્વારા કબજો કરવામાં આવ્યો હોવાનું પાલિકાના ધ્યાને આવ્યું છે.
સેન્ટ્રલ ઝોનમાં સાંઈબાબા મંદિર પાસે પાલિકાની મહત્વની મિલકત ઈશ્વર નાયક ભવન સામે આવ્યું છે. નગરપાલિકા પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ જૂની અને ઐતિહાસિક મહત્વ ધરાવતી આ મિલકત 1960 થી 1965ની આસપાસ યુનિયનોને લીઝ પર આપવામાં આવી હતી.પરંતુ ત્યારબાદ લીઝ રીન્યુ કરવામાં આવી ન હતી. આ ઉપરાંત ઓફિસ કબજે કરવા માટે કોઈ કાયદાકીય પ્રક્રિયા હાથ ધરાઈ ન હતી. યુનિયનો દ્વારા લીઝ રિન્યુ કરવામાં આવી ન હોવા છતાં, કબજો ચાલુ રાખ્યો હતો. આ બાબતે ડેપ્યુટી કમિશનર નિધિ શિવાચ દ્વારા સેન્ટ્રલ ઝોનને પત્ર લખવામાં આવ્યો હતો.
નગરપાલિકાના સેન્ટ્રલ ઝોને 6 અને 29 ડિસેમ્બર પછી 1 જાન્યુઆરીએ પાલિકાની મિલકતો ખાલી કરવાની નોટિસ આપી છે.જેમાં ગઈકાલની નોટિસમાં એક દિવસમાં કબજો ખાલી કરવા તાકીદ કરવામાં આવી છે. જેના કારણે નગરપાલિકામાં કબજો જમાવાયેલી યુનિયન ઓફિસનો રાતોરાત કબજો લેવામાં આવ્યો હતો. તેવી જ રીતે ઈશ્વર નાયક ભવન બિલ્ડીંગનો પણ કબજો લેવામાં આવશે તેવી અટકળોએ જોર પકડ્યું છે.
—————-
યુનિયનોએ વાંધા સાથે નોટિસ સ્વીકારી હતી
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના સેન્ટ્રલ ઝોને આજે ઈશ્વર નાયક ભવન પર કબજો કરી રહેલા સુરત સુધરાઈ કામદાર (સ્ટાફ) મંડળને ત્રીજી નોટિસ ફટકારી છે. આ નોટિસ યુનિયન દ્વારા વાંધા સાથે સ્વીકારવામાં આવી છે.
મ્યુનિસિપલ નોટિસ મુજબ, સેન્ટ્રલ ઝોનમાં વોર્ડ નં.12, નોંધ નં.1107માં ગ્રાઉન્ડ ફ્લોર સાથેની એક માળની મિલકત યુનિયન દ્વારા ઉપયોગમાં લેવાય છે. સાત દિવસમાં આ મિલકતની માલિકી અને ફાળવણીના પુરાવા રજૂ કરવા અગાઉ નોટિસ આપવામાં આવી હતી. તેની સામે આપે કરેલી રજૂઆત સ્વીકારવામાં આવી નથી તેથી મિલકતનો કબજો સુરત પાલિકાને સોંપવા તાકીદ કરવામાં આવી છે.
પાલિકાની આજની નોટિસ સુરત સુધરાઈ કામદાર (સ્ટાફ) મંડળ દ્વારા વાંધા સાથે સ્વીકારવામાં આવી છે. તેઓએ નોટિસ સામે જ વાંધો ઉઠાવ્યો છે. જેમાં અગાઉ બે નોટિસો આપવામાં આવી છે જેમાં અમારી પાસે ઘણો સામાન છે તે જગ્યા શોધવા માટે સમયની રજૂઆત ધ્યાનમાં લેવા વિનંતી સાથે વાંધા સાથે પત્ર સ્વીકારવામાં આવી રહ્યો હોવાનું જણાવાયું છે.
