સુરત પોલીસ પર ભાજપના ધારાસભ્ય કાંતિ બલર સુરતમાં પોલીસની કામગીરી સામે સત્તાધારી ભાજપના ધારાસભ્યનું આક્રમક વલણ જોવા મળ્યું છે. શહેરમાં દિવસેને દિવસે બેકાબૂ બનતી ટ્રાફિક સમસ્યા, વરાછા-કતારગામ-વેડ રોડ વિસ્તારમાં વહેલી સવારે ખાનગી બસોની હેરાનગતિ, સિગ્નલો પર મોબાઈલ ફોન પર વ્યસ્ત રહેતી ટ્રાફિક પોલીસ અને અશાંત એક્ટ હેઠળ નિયમોના ભંગની ફરિયાદ કરવા ગયેલા અરજદારોને પોલીસ સ્ટેશનમાં ધકેલી દેવાના મુદ્દે ભાજપના ધારાસભ્યએ આક્રમક રજૂઆત કરી હતી.
સુરત પોલીસની કામગીરી સામે BJP MLAનો વિરોધ
પોલીસ સાથેની સંકલન બેઠકમાં ભાજપના ધારાસભ્યએ પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠાવ્યા હતા. જેમાં ફરિયાદી થાકી જતાં કેસ હળવો થઈ જાય તેવી ફરિયાદ સહિતની આકરી ટીપ્પણીઓ બાદ પોલીસની કામગીરી ફરી ચર્ચાના કેન્દ્રમાં આવી છે. સુરતમાં પોલીસની કામગીરી સામે પોલીસ સંકલન બેઠકમાં સત્તાધારી ભાજપના ધારાસભ્ય આક્રમક મૂડમાં જોવા મળ્યા હતા.
ઉત્તર વિધાનસભાના વિધાનસભ્ય કાંતિ બલરે જણાવ્યું હતું કે, ‘જ્યારે ફરિયાદી એવા વિસ્તારોમાં ફરિયાદ કરવા માટે પોલીસ સ્ટેશન જાય છે જ્યાં અશાંત ધારો લાગુ હોય છે, ત્યારે પોલીસ એક યા બીજા કારણો આગળ ધરીને ફરિયાદી પર ઘણું દબાણ કરે છે. ક્યારેક દસ્તાવેજોના બહાને તો ક્યારેક કાર્યવાહીના નામે ફરિયાદ દાખલ કરવામાં વિલંબ થાય છે. અશાંત અધિનિયમ જેવા સંવેદનશીલ કાયદાનો અમલ માત્ર કાગળ પર નહીં પણ કડક અને પારદર્શક રીતે થવો જોઈએ. જો ફરિયાદી પોલીસ સ્ટેશને પહોંચ્યા પછી પણ ન્યાય માટે ધક્કા ખવડાવે તો લોકોનો કાયદો અને વ્યવસ્થા પરથી વિશ્વાસ તૂટી જશે.’
આ પણ વાંચોઃ નસવાડીમાં સ્મશાન રોડ પર કાટમાળના ઢગલાઃ વેપારીઓની દાદાગીરી સામે તંત્રની ચેતવણી, ‘2 દિવસમાં રસ્તો ખુલ્લો કરો’
ટ્રાફિક મુદ્દે ધારાસભ્યએ પોલીસનો ઘેરાવ પણ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, વેડ રોડ, કતારગામ અને વરાછા વિસ્તારમાં વહેલી સવારે ખાનગી બસો અને ભારે વાહનોના કારણે ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાય છે. નિયમોના સરેઆમ ઉલ્લંઘન છતાં પોલીસ દ્વારા અપૂરતી કાર્યવાહી કરવામાં આવતી હોવાથી અકસ્માતો વધી રહ્યા છે.’ જો કે, તેઓએ યાત્રા માટે જતી મંડળની બસને મુક્તિ અને ભૂલભરેલી બસો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.