Home Gujarat સુરતમાં મેટ્રો દ્વારા વેપારીઓની દિવાળી પણ બગડી: વળતરની માંગ સાથે વેપારીઓનો વિરોધ

સુરતમાં મેટ્રો દ્વારા વેપારીઓની દિવાળી પણ બગડી: વળતરની માંગ સાથે વેપારીઓનો વિરોધ

0


સુરત મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ : સુરત શહેરમાં મેટ્રોની ધીમી અને નબળી કામગીરીને કારણે મેટ્રોની આસપાસના વેપારીઓની દિવાળી બગડે તેવી ભીતિ સેવાઈ રહી છે. મેટ્રોની કામગીરીને લઈને વેપારીઓની ધીરજ ખૂટી રહી છે. મસ્કતી હોસ્પિટલ પાસે મેટ્રો સ્ટેશનનું બાંધકામ માર્ચ-2023માં શરૂ થયું હતું. આ રોડ બંધ થવાના કારણે આ વિસ્તારની દુકાનો અને ધંધા-રોજગાર ઠપ્પ થઈ જતાં લોકોમાં રોષ ફેલાયો છે. જેના કારણે આ વેપારીઓએ આજે ​​ટાવર ખાતે ધરણાં કરીને રસ્તો ખુલ્લો કરવામાં આવે અથવા વળતર આપવામાં આવે તેવી માંગ કરી હતી.

જ્યારથી સુરત શહેરમાં મેટ્રોનું કામ શરૂ થયું છે ત્યારથી સુરતના લોકો માટે એક પછી એક આફત આવી રહી છે. મેટ્રોની કામગીરીમાં એક પછી એક અકસ્માતો થઈ રહ્યા છે અને તેના કારણે મેટ્રોની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. આ ઉપરાંત મેટ્રોની ધીમી અને નબળી કામગીરીને કારણે વેપારીઓ પરેશાન થઈ રહ્યા છે. અગાઉ મેટ્રોની કામગીરીને કારણે અનેક રસ્તાઓ જર્જરિત થઈ ગયા હોવાનો વિવાદ ઊભો થયો હતો, હવે મેટ્રોના અસરગ્રસ્ત વેપારીઓની હાલત કફોડી બની રહી છે.

સુરતના કોટ વિસ્તારમાંથી પસાર થતી મેટ્રો માટે મસ્કતી હોસ્પિટલ પાસે મેટ્રો સ્ટેશનનું બાંધકામ માર્ચ-2023માં શરૂ થયું હતું. સાથે જ મસ્કતી હોસ્પિટલથી મહિધરપુરા પોસ્ટ ઓફિસ સુધીનો રસ્તો બંધ કરી દેવાતાં આ વિસ્તારની દુકાનોનો ધંધો ઠપ થઈ ગયો છે. આ ઉપરાંત આસપાસના વિસ્તારના વેપારીઓની હાલત કફોડી બની છે. અગાઉ વળતર આપવામાં આવતું હતું, હવે વળતર આપવામાં આવતું નથી અને રોજગારી બંધ થઈ ગઈ હોવાનો આક્ષેપ વેપારીઓ કરી રહ્યા છે.

આ વિસ્તારના વેપારીઓએ તેમની સમસ્યાના નિરાકરણ માટે રજૂઆત કરી છે પરંતુ સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી. રજૂઆત બાદથી કમ્પાઉન્ડ વોલ અને વળતરના મુદ્દે વિવાદ સર્જાયો છે. સ્થાનિક વેપારીઓના જણાવ્યા અનુસાર મસ્કતી હોસ્પિટલ પાસે મેટ્રોની કામગીરી શરૂ થાય તે પહેલા વેપારીઓ સાથે 10 મહિનાના એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા અને વળતરની ખાતરી આપવામાં આવી હતી. ત્યાર બાદ વધુ 9 મહિના સુધી કામ પૂર્ણ ન થતાં એમઓયુ કરવામાં આવ્યા હતા. 19 મહિના બાદ ચારેય બાજુએ કમ્પાઉન્ડ વોલ એટલે કે ડી-વોલ બનાવવાની વાત થઈ હતી. જોકે, હવે માત્ર ટાવરની બાજુમાં જ કમ્પાઉન્ડ વોલ છે.

આ સિવાય મેટ્રો દ્વારા આખો રસ્તો ખુલ્લો કરવાને બદલે માત્ર ત્રણ મીટરનો રોડ ખુલ્લો કરવામાં આવ્યો છે. જેના કારણે ગ્રાહકો પણ આવી શકતા નથી અને વળતરની પણ મનાઈ ફરમાવવામાં આવી છે. આવી સ્થિતિમાં વેપારીઓની આજીજી સાંભળવામાં આવતી ન હોવાથી વેપારીઓના ધંધા મૃતપ્રાય બની ગયા છે ત્યારે આજે વેપારીઓએ વિરોધ કર્યો હતો.

ટાવર પર એકઠા થયેલા વેપારીઓએ કહ્યું કે મેટ્રોએ અમારી સાથે દગો કર્યો છે. 10 મહિનામાં રસ્તો ખુલ્લો કરવાની વાત કરી હતી, પરંતુ 19 મહિના થવા છતાં રસ્તો ખુલ્લો થયો નથી. જેના કારણે 80-90 વર્ષ જૂની પેઢીઓ પણ હવે બંધ થઈ ગઈ છે. વેપારીઓની માગણી છે કે મેટ્રો રસ્તો ખુલ્લો કરે અથવા રસ્તો ખુલ્લો ન થાય ત્યાં સુધી વળતર આપે. મેટ્રોની નબળી કામગીરીના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને હવે વેપારીઓ પણ હતાશ થઈને વિરોધ કરી રહ્યા છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version