![]()
સુરત સમાચાર: વધુ પૈસા કમાવવાની લાલચમાં કેટલાક લોકો ગેરકાયદેસર રીતે ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થો, કોસ્મેટિક પ્રોડક્ટ્સ વગેરેનું ઉત્પાદન કરી રહ્યા છે. સુરતમાં બ્રાન્ડેડ કંપનીના નામે નકલી સ્કીન ક્રીમ બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. સમગ્ર મામલે પોલીસે કુલ રૂ. 3 લાખનો મુદ્દામાલ કબજે કરી એક શખ્સની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સુરતમાં નકલી સ્કીન ક્રીમનું કારખાનું ઝડપાયું
મળતી માહિતી મુજબ, સુરતના પુના વિસ્તારમાં નકલી સ્કીન ક્રીમ બનાવવાની ફેક્ટરી ઝડપાઈ છે. આરોપી બ્રાન્ડેડ કંપનીના સ્ટિકરવાળા નકલી ક્રીમના કન્ટેનર વેચતો હોવાની જાણ થતાં પોલીસે દરોડો પાડ્યો હતો. જેમાં ઘટના સ્થળેથી 1.99 લાખની કિંમતની નકલી ક્રીમ બનાવવાની સામગ્રી મળી આવી હતી. પોલીસે સમગ્ર જથ્થો જપ્ત કરી અર્શિત દેસાઈ નામના શખ્સની ધરપકડ કરી છે.
આ પણ વાંચોઃ સુરતના કાદરશણી નાળા વિસ્તારમાં ચોમાસામાં ગટરના પાણી ભરાયા, ડ્રેનેજ લીકેજના કામથી લોકો પરેશાન
પોલીસે જ્યારે આરોપીના ઘરની તલાશી લીધી ત્યારે ત્યાંથી પણ રૂ.1.19 લાખની કિંમતનો સામાન જપ્ત કરવામાં આવ્યો હતો. આરોપીઓ ગેરકાયદેસર ક્રીમ બનાવતા હતા અને પછી બ્રાન્ડેડ કંપનીના સ્ટીકર સાથે પેક કર્યા પછી ફ્લિપકાર્ટ સહિતના માધ્યમો પર તેનું ઓનલાઈન વેચાણ કરતા હતા. સમગ્ર મામલે પોલીસે આરોપીઓ સામે કોપીરાઈટ એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
