વાવ-થરાદ સમાચાર: વાવ-થરાદ જિલ્લાના કરણપુરા ગામની સીમમાં આવેલ ખેતર તળાવમાં ડૂબી જતાં બે શ્રમજીવી યુવાનોના મોત નિપજ્યા છે. મિત્રને બચાવવા જતાં અન્ય એક મિત્રએ પણ જીવ ગુમાવતાં સમગ્ર પંથકમાં ભારે આક્રંદથી ચકચાર મચી જવા પામી છે.
મિત્રને બચાવવાના પ્રયાસમાં બંને ઊંડા પાણીમાં પડી ગયા
પ્રાપ્ત માહિતી અનુસાર, કરણપુરા ગામના જેતસી પટેલના ખેતરમાં ખેત મજૂરી કરતા બે યુવકો ગુરુવારે (28 મે) સાંજે ખેત તલાવડીના કિનારે બેઠા હતા. દરમિયાન અચાનક એક યુવકનો પગ લપસી જતાં તે તલાવડીના ઉંડા પાણીમાં પડી ગયો હતો અને ડૂબવા લાગ્યો હતો. તેના સાથી મિત્રને ડૂબતો જોઈને અન્ય યુવકે તેને બચાવવા માટે તરત જ પાણીમાં કૂદી પડ્યો હતો. પરંતુ પાણીનો અંદાજ ન હોવાથી અને ઊંડાઈ વધુ હોવાથી બંને યુવાનો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.
આ પણ વાંચો: છોટા ઉદેપુરઃ ભાજપના સાંસદ, પુત્ર અને તાલુકા પ્રમુખ સામે પોલીસ કેસ, વિજયની ઉજવણીમાં બંદૂકો લહેરાવી
ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને થરાદ ફાયર વિભાગની ટીમને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. ફાયર ફાયટરોની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને સ્થાનિકોની મદદથી શોધખોળ હાથ ધરી હતી. લગભગ 40 મિનિટની જહેમત બાદ 17 વર્ષના અરવિંદ માજીરાણા અને 18 વર્ષના પ્રકાશ માજીરાણાના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.
મૃતક યુવક રાજસ્થાનના બાડમેરનો વતની હતો
પંચનામા બાદ બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જાણવા મળ્યું છે કે આ બંને મૃતક યુવકો મૂળ રાજસ્થાનના બાડમેર જિલ્લાના વતની હતા અને ખેતમજૂરી માટે અહીં આવ્યા હતા. બે કમાતા પુત્રોના અકાળે મોતથી ગરીબ શ્રમિક પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે.