જામનગર સમાચાર: જામનગર-રાજકોટ હાઈવે પર ધ્રોલ નજીકના જાયવા ગામના પાટિયા પાસે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. અહીં, ધ્રોલના એક યુવાન વેપારીનું ગંભીર ઇજાઓથી કરૂણ મોત નીપજ્યું હતું જ્યારે કાર આગળ ટેન્કરની પાછળ ધડાકાભેર અથડાઇ હતી.
યુવાન વેપારીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું
બનાવ અંગે મળતી વિગત મુજબ જામનગર જિલ્લાના ધ્રોલમાં રહેતા અને શાકભાજીના વેપારી અરબાઝ મુસ્તાકભાઈ તાયાણી નામના 26 વર્ષીય યુવાન પોતાના કૌટુંબિક કામ અર્થે કાર નંબર જીજે 10 ડીઈ 4284 લઈને રાજકોટ ગયા હતા. રાજકોટથી પરત ફરતી વખતે સાંજે 5 વાગ્યાના સુમારે જયવા ગામના પાટિયા પાસે તેમની કાર આગળ જતા ટેન્કર નંબર GJ 03 BW 1516 સાથે અથડાઈ હતી.
ટેન્કર રોડ પરથી ઉતરી ગયું હતું
અકસ્માત એટલો ગંભીર હતો કે ટેન્કર રોડની નીચે ઉતરી ગયું હતું. જ્યારે કાર રોડ પર પલ્ટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં ડ્રાઈવર અરબાઝને ગંભીર ઈજાઓ થતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી
અકસ્માત બાદ આસપાસના લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ચાલકને બહાર કાઢીને ધ્રોલની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. બનાવની જાણ થતા ધ્રોલ પોલીસ મથકનો કાફલો હોસ્પિટલે પહોંચી મૃતદેહનો કબજો લઈ વધુ તપાસ હાથ ધરી છે.