અમદાવાદ: રાજ્યમાં વિવિધ એન્જિનિયરિંગ વિદ્યાશાખામાં પ્રવેશ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું હતું. ધોરણ-12 સાયન્સનું પરિણામ ગત વર્ષ કરતા વધુ હોવાથી એન્જિનિયરિંગમાં પ્રવેશ મેળવવા વિદ્યાર્થીઓનો ધસારો વધ્યો છે. આમ દર વર્ષે એન્જિનિયરિંગમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઘણી બેઠકો ખાલી રહેતી હતી. પરંતુ આ વર્ષે ધોરણ-12 સાયન્સના સારા પરિણામને કારણે બેઠકો ઓછી ખાલી રહેશે. ડિગ્રી એન્જિનિયરિંગમાં પ્રવેશ માટેની નોંધણી પ્રક્રિયા પૂરી થઈ ગઈ હોવાથી, હવે એસીપીસી દ્વારા પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં 40,406 વિદ્યાર્થીઓને સ્થાન મળ્યું છે. ગયા વર્ષે 31,608 વિદ્યાર્થીઓએ મેરિટમાં સ્થાન મેળવ્યું હતું. આમ ગત વર્ષ કરતાં 8,798 વધુ વિદ્યાર્થીઓએ મેરિટમાં સ્થાન મેળવ્યું હતું. હવે વિદ્યાર્થીઓ મોક રાઉન્ડ માટે પસંદગી ભરી શકશે.
નાએન્જીનીયરીંગની પ્રવેશ સમિતિના સૂત્રોના જણાવ્યા મુજબ, 42,646 વિદ્યાર્થીઓએ એન્જીનીયરીંગમાં પ્રવેશ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું હતું જેમાંથી 40,406 વિદ્યાર્થીઓએ મેરીટ મેળવ્યું હતું. ગુજકેટ આધારિત મેરિટમાં 38,969 વિદ્યાર્થીઓ છે, જ્યારે JEE આધારિત 1,437 વિદ્યાર્થીઓ છે. એન્જિનિયરિંગમાં ચોઈસ ફિલિંગ 10 જૂન સુધી કરી શકાશે. એન્જિનિયરિંગનું ફાઈનલ મેરિટ લિસ્ટ અને મોક રાઉન્ડનું પરિણામ 13 જૂને જાહેર કરવામાં આવશે. કુલ 75,762 બેઠકો માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. એસીપીસીએ વધુને વધુ વિદ્યાર્થીઓને પસંદગી ભરવા અપીલ કરી છે.
ACPC દ્વારા ઇજનેરી અને ફાર્મસીની વિવિધ શાખાઓમાં મેરીટના આધારે પસંદગીની શાખાઓમાં પ્રવેશ આપવામાં આવે છે, જેમાં એલડી એન્જીનીયરીંગ કોલેજ સહિતની નામાંકિત કોલેજોની વિવિધ ફેકલ્ટીઓ પ્રથમ રાઉન્ડમાં પૂર્ણ થાય છે.