જામનગર બ્રાસ ઉદ્યોગની કટોકટી: જામનગરના બ્રાસ ઉદ્યોગ પર ગલ્ફ વોરની મોટી અસર પડી છે. ગેસ અને કાચા માલની અછતને કારણે બ્રાસ ઉદ્યોગના 80 ટકા એકમો બંધ થઈ ગયા છે. ઉદ્યોગ બંધ થવાની અણી પર ઉદ્યોગકારોએ વહીવટીતંત્ર સાથે તાકીદની બેઠક યોજી સમગ્ર પરિસ્થિતિની રજૂઆત કરી હતી. તંત્ર દ્વારા ગેસ પુરવઠો પુનઃસ્થાપિત કરવા સહિતના પ્રયાસોની ખાતરી આપવામાં આવી હતી.
જામનગરના બ્રાસ ઉદ્યોગની સપ્લાય ચેઈન તૂટી રહી છે
છેલ્લા 20 દિવસથી યુકે, અમેરિકા, ગલ્ફ દેશોમાંથી મેન્યુફેક્ચરિંગ માટે જરૂરી કાચા માલ, નિકાસ ઓર્ડર અને ઈન્ડસ્ટ્રીયલ ગેસનો પુરવઠો ખોરવાઈ ગયો છે. વિદેશી સપ્લાય ચેઇન તૂટી જતાં જામનગરનો બ્રાસ ઉદ્યોગ ઓક્સિજનથી વંચિત રહ્યો છે. આ વૈશ્વિક યુદ્ધે ઉદ્યોગપતિઓને ખાસ કરીને ગેસ આધારિત શેલ અને એક્સટ્રુઝન પ્લાન્ટ્સને અસર કરી છે અને ઉદ્યોગ બંધ થવાના આરે છે. હજારો કામદારોની રોજીરોટી પ્રભાવિત થઈ છે.
ઉદ્યોગને જીવંત રાખવા 13,000થી વધુ ગેસના બાટલાની માંગ
આ કટોકટી વચ્ચે, ઉદ્યોગકારોની વાસ્તવિક સ્થિતિ અને ગેસ સિલિન્ડરની અછતની તપાસ કરવા માટે જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા વિગતો મંગાવવામાં આવી હતી. આ રજૂઆતને પગલે 450 થી વધુ ઉત્પાદકોએ ફોર્મ ભરીને બંધ એકમોનો ડેટા એકત્ર કરીને એસોસિએશનને મોકલી આપ્યો હતો. આ ડેટા અનુસાર, આ 450 ફોર્જિંગ યુનિટને એકલા ચાલુ રાખવા માટે 13,098 કોમર્શિયલ ગેસ સિલિન્ડરની તાત્કાલિક જરૂરિયાત હતી. આમાંથી 450 થી વધુ ફેક્ટરીઓ ગેસના અભાવે સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે અને યુદ્ધની સ્થિતિને કારણે છેલ્લા 15-20 દિવસથી વિદેશી ભંગારની આયાત સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે.
આ પણ વાંચોઃ ગુજરાત પોલીસનો ‘મેજિક’: હવામાં ઓગળે છે 29 કિલો અફીણ! બાષ્પીભવન કે ભ્રષ્ટાચાર?
સંકટના સમયે વહીવટીતંત્ર અને ઉદ્યોગપતિઓ એક મંચ પર
આ વિકટ પરિસ્થિતિમાંથી માર્ગ કાઢવા માટે જામનગર ચેમ્બર ઓફ કોમર્સ, જામનગર ફેક્ટરી એસોસીએશન અને જામનગર દરેડ જીઆઈડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસીએશનના અધિકારીઓ દ્વારા વહીવટીતંત્ર સાથે તાકીદની બેઠક યોજવામાં આવી હતી. જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અને પુરવઠા તંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી આ બેઠકમાં ઉદ્યોગકારોએ ગેસ અને કાચા માલની અછત અંગે વિસ્તૃત રજૂઆતો કરી હતી. તંત્રએ બ્રાસ ઉદ્યોગની વાજબી માંગણીઓને સત્વરે સંતોષવા હકારાત્મક પગલાં ભરવાની ખાતરી આપી હતી.
