![]()
અમદાવાદ સમાચાર: કુવૈતથી દિલ્હી જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટમાં મુસાફરોમાં બોમ્બ હોવાની ચેતવણી મળી હતી. સુરક્ષાના કારણોસર વિમાનને તાત્કાલિક અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ તરફ વાળવામાં આવ્યું હતું અને તેનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.
વિમાનમાં 186 લોકો સવાર હતા
પ્રાપ્ત માહિતી અનુસાર, જ્યારે ફ્લાઇટ આકાશમાં હતી, ત્યારે ક્રૂ મેમ્બરને ફ્લાઇટમાં ટિશ્યુ પેપર પર હાઇજેક અને બોમ્બની ધમકી આપવામાં આવી હતી. પાયલોટે તરત જ એર ટ્રાફિક કંટ્રોલ (એટીસી)નો સંપર્ક કર્યો અને પ્રોટોકોલ મુજબ વિમાનને નજીકના એરપોર્ટ એટલે કે અમદાવાદ તરફ વાળવાનું નક્કી કર્યું. પ્લેનમાં 180 મુસાફરો અને 6 ક્રૂ મેમ્બર હતા, કુલ 186 લોકો સવાર હતા.
એરપોર્ટ પોલીસ સ્ટેશનના પીઆઈ એન.ડી. નકુમના જણાવ્યા અનુસાર, ‘ધમકી મળ્યા પછી, સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ હતી અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDS) દ્વારા વિમાનની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી, જોકે તપાસ દરમિયાન કોઈ વાંધાજનક વસ્તુઓ મળી ન હતી. હાલમાં પ્લેન ચેક ઓપરેશન પૂર્ણ થઈ ગયું છે અને પ્રોટોકોલ મુજબ વધુ તપાસ ચાલી રહી છે.’