અમરેલી માર્કેટ યાર્ડ: અમરેલી માર્કેટ યાર્ડમાં આજે ઘઉંની બોરીઓ ઉતારતી વખતે અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં 5 મજૂરો દટાયા હતા જેમાં એક મજૂરનું મોત થયું હતું. જ્યારે અન્ય 4 ઘાયલ મજૂરો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ અકસ્માતના પગલે મજૂરો અને વેપારીઓમાં દોડધામ મચી ગઈ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર અમરેલી માર્કેટયાર્ડમાં આજે સવારે વેપારીની જગ્યા પર મજૂરો ઘઉંની બોરીઓ ઉતારી રહ્યા હતા. દરમિયાન અચાનક ઘઉંની બોરીઓ 5 મજૂરો પર પડી હતી. બોરીઓ નીચે ફસાયેલા મજૂરોને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યા હતા.
આ અકસ્માતમાં ખીજડીયાના વિપુલ દિનેશ કનક (ઉંમર 30) નામના મજૂરનું મોત થયું હતું જ્યારે અન્ય 4 મજૂરોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્ત મજૂરોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.