![]()
અમદાવાદ સમાચાર: અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વસ્ત્રાલમાં આજે (12 એપ્રિલ) પાઈપલાઈનમાં ક્રૂડ ઓઈલ લીકેજ થતા અરાજકતાનો માહોલ સર્જાયો છે. વસ્ત્રાલના હરેશ્વર આર્ક પાસે પસાર થતી ONGCની લાઇનમાંથી અચાનક ઓઇલ લીક થવા લાગતાં સ્થાનિકો ભયભીત થઇ ગયા હતા.
ઓઈલ લીકેજની જાણ થતા જ અમદાવાદ ફાયર બ્રિગેડ અને ONGCની ટેકનિકલ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. વધુ નુકસાન કે દુર્ઘટના અટકાવવા માટે ONGC દ્વારા લાઇનનો મુખ્ય વાલ્વ તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવ્યો છે.
સુરક્ષાના કારણોસર રામોલ પોલીસ દ્વારા હરેશ્વર કમાન તરફ જતો રસ્તો વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
હાલમાં ઓએનજીસીની ટીમ દ્વારા પાઈપલાઈનનું સમારકામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી, પરંતુ રસ્તો બંધ થઈ જવાના કારણે સ્થાનિક વાહનચાલકોને થોડી મુશ્કેલી પડી રહી છે.