અમદાવાદ સમાચાર: અમદાવાદના માણેકચોકમાં એક યુવકે ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના રૂગનાથ બામ્બાની પોળના ઓમકાર ફ્લેટમાં બની હતી, જેના કારણે સ્થાનિક રહેવાસીઓમાં ભારે હોબાળો મચી ગયો છે. પ્રાથમિક તબક્કે આપઘાત પાછળનું કારણ આર્થિક તંગી હોવાનું માનવામાં આવી રહ્યું છે, આ અંગે ખાડિયા પોલીસને જાણ થતાં જ ઘટનાસ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
યુવક સતત માનસિક તણાવમાં રહેતો હતો!
મળતી માહિતી મુજબ મૃતક યુવક મૂળ બંગાળનો વતની હતો અને અહીંના ઓમકાર ફ્લેટમાં રહેતો હતો. તે છેલ્લા કેટલાક સમયથી ગંભીર આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, યુવક દેવાના વધતા જતા બોજને કારણે સતત માનસિક તણાવમાં રહેતો હતો. આ આર્થિક તંગી અને દેવાના બોજથી કંટાળીને આખરે તેણે પોતાના ઘરમાં પંખા સાથે ફાંસો ખાઈને અંતિમ પગલું ભર્યું હોવાની શક્યતાઓ તપાસવામાં આવી રહી છે.
ઘટનાની જાણ થતાં જ ખાડિયા પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે લાશને પંખામાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં મોકલી આપી છે. હાલ પોલીસ દ્વારા પાડોશીઓના નિવેદનો લેવામાં આવી રહ્યા છે અને યુવકના પરિવારજનોને આ અંગે જાણ કરવામાં આવી છે. આપઘાત પાછળ અન્ય કોઈ કારણ જવાબદાર છે કે કેમ તે અંગે પણ પોલીસે તપાસ શરૂ કરી છે.