વડોદરા : વડોદરાના અકોટા-મુજમહુડા રોડ પર ગોકળગાય ચાલતી ડ્રેનેજ લાઇનની કામગીરીને કારણે તેમના ધંધા-રોજગારને અસર થતા વેપારીઓએ મહાનગરપાલિકા સામે નારાજગી વ્યક્ત કરી છે.
અકોટા-મુજમહુડા રોડ પર નવી ડ્રેનેજ લાઇન નાખવાની કામગીરી ચાલી રહી છે. છેલ્લા દોઢ વર્ષથી ચાલી રહેલી ગોકળગાયની કામગીરીને કારણે ધંધા પર વિપરીત અસર પડી રહી હોવાથી વેપારીઓમાં અસંતોષ ફેલાયો છે. આ મુદ્દે વેપારીઓએ એકત્ર થઈ કોર્પોરેશનના કર્મચારીઓ તેમજ કોન્ટ્રાક્ટર પર હુમલો કર્યો હતો.
વેપારીઓએ જણાવ્યું હતું કે, કામ ચાલુ હોય તો વાંધો નથી, પરંતુ બે મહિના સુધી રોડ બંધ રાખવા અને કોઈ કામ ન કરવું તે યોગ્ય નથી. રસ્તા બંધ થવાના કારણે ગ્રાહકોની અવરજવર ઘટી છે, જેના કારણે ધંધામાં ભારે ઘટાડો થયો છે અને દુકાનોનું ભાડું ચૂકવવું મુશ્કેલ બન્યું છે.
કોન્ટ્રાક્ટર દ્વારા ગેસ લાઈન બ્લોક હોવાના કારણે કામમાં વિલંબ થઈ રહ્યો હોવાનું કારણ આપવામાં આવ્યું છે. જોકે, વેપારીઓએ આ કારણને ફગાવીને તાત્કાલિક કામગીરી શરૂ કરવાની માંગ કરી હતી.
જો 10 એપ્રિલ સુધીમાં ડ્રેનેજનું કામ પૂર્ણ નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવાની વેપારીઓએ ચીમકી આપી છે.