ઉમરપાડા વોટર બોમ્બ, 4 કલાકમાં 14 ઈંચ વરસાદ, ગાંડીતૂર નદીઓ ઓવરફ્લો, અનેક ગામડાઓ સંપર્ક વિહોણા
અપડેટ કરેલ: 15મી જુલાઈ, 2024
ઉમરપાડામાં ભારે વરસાદ: હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલી આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ ચાલી રહી છે. દક્ષિણ ગુજરાતના ઉમરપાડામાં 4 કલાકમાં 14 ઈંચ વરસાદ પડ્યો. ત્યારે વીરા અને મોહન નદીઓ બે કાંઠે વહેવા લાગી છે. વરસાદના કારણે સર્વત્ર પાણી ભરાઈ ગયા છે. ઉમરપાડા તાલુકાના ઉમરગોટ સાથે સંપર્ક તૂટી ગયો છે. આ ઉપરાંત નીચાણવાળા વિસ્તારો અને ગામડાઓમાં પાણી ફરી વળ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સવારે 6 વાગ્યાથી 11 વાગ્યા સુધીમાં 10 ઈંચ વરસાદ પડ્યો હતો, જ્યારે અત્યાર સુધીમાં લગભગ 14 ઈંચ વરસાદ પડી ચૂક્યો છે. ભારે વરસાદને કારણે અનેક ગામો પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને તેમનો સંપર્ક વિચ્છેદ થઈ ગયો છે. ભારે વરસાદને કારણે તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. છેલ્લા 24 કલાકમાં નર્મદાના ગરુડેશ્વરમાં સાડા પાંચ ઈંચ, સુરતના ઉમરપાડામાં ચાર ઈંચ અને નર્મદાના તિલકવાડામાં અઢી ઈંચ વરસાદ ખાબક્યો હતો.
નર્મદા અને ભરૂચ જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો
નર્મદાના લાછરસમાં પાંચ ઈંચ વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. લોકોના ઘર અને દુકાનોમાં પણ પાણી ઘુસી ગયા છે. બીજી તરફ આજે વહેલી સવારથી ભરૂચ જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે. ત્યારે ભરૂચના નેત્રંગમાં 5 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક જિલ્લાઓમાં વહેલી સવારથી વરસાદ પડી રહ્યો છે. ભરૂચ જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે.
▶️ નર્મદા જિલ્લાના નાંદોદમાં વહેલી સવારથી ભારે વરસાદ
નાંદોદના લાછરસ ગામમાં કમર ઉંડા પાણી ભરાયા હતા#નર્મદા #વરસાદ pic.twitter.com/FlyzAWFRuC
— ડીડી ન્યૂઝ ગુજરાતી (@DDNewsGujarati) જુલાઈ 15, 2024
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ 15મી જુલાઈએ દક્ષિણ ગુજરાતના ભરૂચ, ડાંગ, તાપી, નવસારી, વલસાડ સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે. જ્યારે ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, પંચમહાલ, જૂનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત મહેસાણા, ગાંધીનગર, સુરેન્દ્રનગર, ખેડા, મોરબી, પાટણ, અરવલ્લી, જામનગર, પોરબંદર સહિતના વિસ્તારોમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
16મી જુલાઈએ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. જેમાં દેવભૂમિ દ્વારકા, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, નર્મદા, પંચમહાલ, દાહોદ, મહિસાગર, અમરેલી, ગાંધીનગર જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે.
17મી જુલાઈએ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેધમહેર
આ દિવસે વલસાડ, નવસારી, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદ પડશે. જ્યારે સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહીને પગલે સુરેન્દ્રનગર, કચ્છ, મોરબી, ભાનગર, અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, નર્મદા, સુરત, તાપી, ડાંગ, વડોદરા સહિતના જિલ્લાઓમાં સારો વરસાદ પડશે. બીજી તરફ, મહિસાગર, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, ખેડા, ગાંધીનગર, મહેસાણા જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ મધ્યમ વરસાદની શક્યતા છે.
18મી જુલાઈએ સૌરાષ્ટ્રના પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, જામનગર, દેવભૂમિ દ્વારકા અને દક્ષિણ ગુજરાતના વલસાડ અને નવસારીમાં ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.