Surat શેરીએ શેરીએ તેમજ તમામ ચોકમાં ગણેશ ઉત્સવ ના પંડાલો, ચોમેર ગણેશ ઉત્સવનો નાદ ગુંજી ઉઠ્યો.
Suratના રાતભર માર્ગો પર આતશભાજી, શરણાઈ, ડી.જે. અને બેન્ડની સુરાવલી ની રમઝટ સાથે વાજતે ગાજતે ગજાનંદનું પંડાલોમાં આગમન કરાયું.
રિદ્ધિ, સિદ્ધિ, વિદ્યા, શિક્ષા, તેમજ કલાના પણ અધિપતિ, ગણનાયક, વિઘ્નહર્તા ગણેશજીના આરાધના ના મહાપર્વ ગણેશ ઉત્સવનો મહારાષ્ટ્ર બાદ ગુજરાતના સુરતમાં સૌથી વધારે પરંપરાગત રીતે વર્ષોથી ઉજવણી કરવામાં આવે છે ત્યારે ગત રાત્રે Surat શહેરના તમામ માર્ગો પર ચોમેર શંખનાદ, ઝાલર નાદ, બેન્ડવાજા, અને ડીજેના સંગાથે હજારો મંગલમૂર્તિ તેમજ વિરાટ મૂર્તિઓ પંડાલોમાં લવાઈ હતી અને આજરોજ શનિવારે ગણેશ ચતુર્થી ના દિને મંગલ મુહૂર્તમાં ગણેશજીની વિધિવત રીતે સ્થાપના કરવામાં આવી હતી.
વિગતો મુજબ મીની ભારત સમાન સુરતમા મોજીલા સુરતી લાલાઓ કોઈપણ ત્યોહાર ની આગવી અદાથી ઉજવણી કરતા હોય છે ગણેશ ઉત્સવનું મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં મહાત્મ્ય જળવાયું છે જ્યારે સુરત શહેરમાં દસ દિવસનું આતિથ્ય માણવા માટે આવી પહોંચેલા ગજાનન ગણનાયકના આગમન ટાણે શ્રદ્ધાળુઓ ભાવવિભોર બન્યા હતા અબીલ ગુલાલની છોળો વચ્ચે શહેરના તમામ ચોરા અને શેરીઓ તથા સોસાયટીઓમાં ગણેશજીની મૂર્તિઓનું સ્થાપન કરવામાં આવ્યું છે.
Surat: રાત ભર શહેરના સિવિલ હોસ્પિટલ રોડ. ઉધના દરવાજા સહિતના વિવિધ વિસ્તારોમાં નાની મોટી પ્રતિમાઓની ખરીદી માટે હજારો લોકોની ભીડ જામી હતી વરસાદના વિઘ્ન વચ્ચે પણ શ્રદ્ધાળુઓ દ્વારા મૂર્તિઓને જે તે સ્થળે પંડાલ સુધી લઈ જવા ખાનગી કેરિયરના વાહન ચાલકો, તેમજ ઢોલ નગારા વાળાઓના સમૂહ થી માર્ગો ઉભરાયા હતા અને પંડાલ સુધી વાજતે ગાજતે મૂર્તિઓને શોભાયાત્રા સ્વરૂપે લઈ જવામાં આવી હતી આ પંડાલો હવે આગામી અનંત ચતુર્દશી સુધી આબાલ વૃદ્ધ ભાવિકોની અવરજવર થી સતત ધમધમતા રહે છે.
અને ચોમેર ગણેશમય માહોલ જામશે સુરત શહેરમાં આ વર્ષે પણ સાર્વજનિક આયોજનોની સાથે પારિવારિક વ્યક્તિગત ગણેશોત્સવ ના આયોજન માટે અસંખ્ય નાના કદની મંગલમૂર્તિઓનું પણ ધૂમ વેચાણ થયું હતું અને આજે ગણેશ ચતુર્થીના દિવસે શુભ મુહૂર્તમાં ગણનાયકની આરતી, પૂજા સાથે સ્થાપના કરવામાં આવી હતી.
ફૂલોથી લઈને મીઠાઈ સહિતની ચીજવસ્તુઓના ભાવમાં ઉછાળો નોંધાયો.
સુરત શહેરમાં ગણેશ ઉત્સવની ઉજવણી સમગ્ર ગુજરાત ભરમાં જાણીતી છે ત્યારે શહેરમાં ગણેશોત્સવના આરંભથી કુદરતી અને કૃત્રિમ ફૂલ, ધજા પતાકા, તોરણ. લટકણીયા, ઝુમ્મર, આસોપાલવ, મીઠાઈ, ફરસાણ અને પ્રસાદીની અવનવી વસ્તુઓ શ્રીફળ સહિતની અઢળક ચીજ વસ્તુઓના ભાવમાં ઉછાળો નોંધાયો છે.
આ ઉપરાંત ગણેશપંડાલોમાં મંડપ ડેકોરેશન, લાઈટ એન્ડ સાઉન્ડ સિસ્ટમ, ડીજે, શરણાઈ, થીમ બેઇઝ સુશોભન ઉપરાંત શણગાર અને કાર્યકર્તાઓના એક સમાન યુનિફોર્મ તેમજ ઇલેક્ટ્રોનિક સિરીઝ ડેકોરેશન સહિતના વ્યવસાયમાં પણ ઉછાળો નોંધાયો છે.