![]()
કીર્તિ પટેલ વિવાદ: સોશિયલ મીડિયા પર અવારનવાર વિવાદોમાં રહેતી કીર્તિ પટેલે જૂનાગઢમાં મહા શિવરાત્રીના મેળા દરમિયાન મૃગીકુંડમાં પ્રવેશ કરતાં નવો વિવાદ સર્જાયો છે. કિર્તી પટેલે ભગવા વસ્ત્રો પહેરીને મૃગીકુંડમાં સ્નાન કરતાં સાધુ-સંતોમાં નારાજગી જોવા મળી રહી છે. હવે કીર્તિ પટેલ વિરુદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. પ્રથમ ફરિયાદ ગઈકાલે (17 ફેબ્રુઆરી) મૃગીકુંડ ખાતે સ્નાન કરતી વખતે મહિલા પીઆઈ સાથે ઝઘડા માટે નોંધવામાં આવી હતી. ત્યારે આજે વધુ એક ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે.
પોલીસે કીર્તિને પકડવા ચક્રો ગતિમાન કર્યા
મળતી માહિતી મુજબ, વિવાદિત કીર્તિ પટેલ વિરુદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં સાધુ-સંતોની લાગણી દુભાવવા અને બદનામ કરવાની ફરિયાદ નોંધવામાં આવી છે. પ્રભાસપાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે કીર્તિને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. જુદી જુદી ટીમો બનાવીને તપાસ હાથ ધરવામાં આવી છે.
ગઈકાલે પણ ફરિયાદ નોંધાઈ હતી
પીઆઈ કે.જે.મોડે ભવનાથ પોલીસ સ્ટેશનમાં કિર્તી પટેલ વિરુદ્ધ ગેરવર્તણૂકની ફરિયાદ નોંધાવી હતી. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
હાલમાં જ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં કીર્તિ પટેલ નાગા સાધુઓ સાથે જોવા મળે છે. તેણે જૂના અખાડામાં સાધુ સંતો સાથે વીડિયો બનાવ્યો છે. જેમાં તે ઓમ નમો નારાયણ અને હર હર મહાદેવની ધૂન ગાઈ રહી છે. ત્યારે કીર્તિ પટેલ સામે સાધુ સંતોના રોષ વચ્ચે વધુ એક વીડિયો સામે આવ્યો છે અને આ ઘટના હવે ગુજરાતમાં ચર્ચાનો વિષય બની છે.
