સુરત કોર્પોરેશન: સુરત મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીએ એક મહિના પહેલા પાલિકાના તમામ ઝોનમાં ફ્લાય ઓવર બ્રિજની નીચે દબાણ અને ઉપદ્રવને કાયમી ધોરણે દૂર કરવા અને આ જગ્યાઓને પે એન્ડ પાર્ક કે અન્ય હેતુ માટે ભાડે આપી આવક ઊભી કરવા સૂચના આપી હતી. જોકે, એક મહિના બાદ પણ સ્ટેન્ડિંગ કમિટીએ આપેલી ભલામણ કાગળ પર જ રહી છે. સ્થાયી સમિતિ દ્વારા બ્રિજની નીચે કોમર્શિયલ ઉપયોગ માટેના દબાણો દૂર કરવા માટે આપવામાં આવેલી સૂચનાની કોઈ અસર થઈ નથી. બ્રિજ નીચે અવારનવાર દેખાઈ રહેલા દબાણોને કારણે શહેરની સુંદરતા સામે ખતરો ઉભો થયો છે.
સુરત મહાનગરપાલિકાની 21 નવેમ્બરના રોજ મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં પાલિકા વિસ્તારમાં ફ્લાય ઓવર બ્રિજ નીચે મોટા પ્રમાણમાં દબાણો અને ઉપદ્રવ છે અને આવક ઊભી કરવા પાલિકાને આ વિસ્તારનો કોમર્શિયલ ઉપયોગ કરવા સૂચના આપી હતી. જો કે 21મી નવેમ્બરના રોજ જાહેરનામા બાદ આજે પણ શહેરના અનેક પુલો પર ભારે દબાણ છે.