અમદાવાદઃ ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકા વિસ્તારમાં ચાલી રહેલા રોગચાળાના કોલેરા પ્રભાવિત વિસ્તારમાં આજે આરોગ્યની 51 ટીમો દ્વારા 6395 ઘરોનો સર્વે કરવામાં આવ્યો છે. જેમાં ઝાડા-ઉલ્ટીના નવા 12 કેસ નોંધાયા છે. બે શંકાસ્પદ દર્દીઓના સ્ટૂલ સેમ્પલ GMERS, ગાંધીનગર ખાતે પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. અગાઉ મોકલવામાં આવેલા સેમ્પલમાંથી આજે કોલેરાના બે કેસ મળી આવ્યા છે જેમાં અત્યાર સુધીમાં કુલ 8 કેસ નોંધાયા છે.
હાલમાં આઠ કેસોમાંથી, એક દર્દી CSC દહેગામ અને બે GMARS ખાતે સારવાર હેઠળ છે. બાકીના પાંચ દર્દીઓની તબિયત સારી હોવાથી તેમને ઘરે રજા આપવામાં આવી છે. સર્વે દરમિયાન ટીમ દ્વારા કુલ 360 ORS પેકેટ અને 1014 ફ્લોરિન ટેબલેટનું ઘરે ઘરે વિતરણ કરવામાં આવ્યું છે અને કોલેરાથી બચવા માટે આરોગ્ય શિક્ષણ અને કાઉન્સેલિંગ કરવામાં આવ્યું છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને જિલ્લા સર્વેલન્સ અધિકારીની સઘન દેખરેખ અને માર્ગદર્શન હેઠળ હાલમાં રોગચાળા નિયંત્રણની કામગીરી ચાલી રહી છે.