અમદાવાદ,શનિવાર
શહેરના કાલુપુર બ્રિજ પાસે એક પુસ્તક વિક્રેતા દ્વારા NCERTના ડુપ્લીકેટ પુસ્તકોનું વેચાણ થતું હોવાની માહિતીના આધારે કાલુપુર પોલીસે દરોડો પાડી ધોરણ 6ના પુસ્તકો કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ કેસની તપાસમાં NCERTના નકલી પુસ્તકોના વેચાણના મોટા કૌભાંડની વિગતો બહાર આવે તેવી શક્યતાના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.ચાંદખેડા વિસ્તારમાં રહેતા કપિલ પાલ અમદાવાદમાં નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસોર્સિસ એન્ડ ટ્રેનિંગમાં કામ કરે છે.
NCERTના વડા અનુપકુમાર રાજપૂતે તેમને માહિતી આપી હતી કે અમદાવાદમાં ગાંધી બ્રિજ પાસેની એક દુકાનમાં NCERTના ડુપ્લિકેટ પુસ્તકો અસલી તરીકે વેચાઈ રહ્યા છે. જેના આધારે કાલુપુર પોલીસે ગાંધી બ્રિજ નીચે આવેલા ન્યુ ઝવેરી બુક સેન્ટરમાં દરોડો પાડતા NCERT ધોરણ 6ની મલ્હાર નામની પાઠ્યપુસ્તકની 13 નકલો મળી આવી હતી.ગુંજન ઝવેરી નામના વેપારી તેને અસલી પુસ્તક તરીકે વેચતા હતા. આ અંગે પોલીસે કોપીરાઈટ એક્ટ હેઠળ કેસ નોંધ્યો હતો અને આ પુસ્તક ક્યાંથી ખરીદ્યું હતું? કોણે છાપ્યું?? તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.સૂત્રોના જણાવ્યા અનુસાર, વેપારીઓ વાસ્તવિક NCERT પુસ્તકોના વેચાણમાં 20 ટકાના માર્જિન સાથે 65 રૂપિયામાં પુસ્તક વેચી રહ્યા છે. પણ, ડુપ્લીકેટ ચોપડામાં વેપારીને 50 ટકા માર્જીન મળતું હતું. જેથી નફો વધારવા નકલી પુસ્તકો વેચવામાં આવતા હતા.