સુરત શહેરમાં ચોમાસા દરમિયાન સંખ્યાબંધ ડામરના રસ્તાઓ તૂટી જવાના મુદ્દે સમભાવ સભા અને સ્થાયી સમિતિમાં ભારે હોબાળો થયો હતો. આ વિવાદ શાંત થાય તે પહેલા શહેરના સીસી રોડમાં ગાબડા પડી ગયા હોવાની અનેક ફરિયાદો બહાર આવી છે. એક તરફ તિરંગા યાત્રાની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે પરંતુ શહેરના ડામર રોડ અને સીસી રોડમાં પડેલા ગાબડા વાહન ચાલકો માટે આફતરૂપ બની રહ્યા છે.
સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં શહેરના ભાજપના કાર્યકરોએ સીસી રોડના કામની ગુણવત્તા જળવાતી ન હોવાની ફરિયાદ કરી હતી. કોર્પોરેટરોએ જણાવ્યું હતું કે સીસી રોડ બનાવ્યા બાદ તુરંત જ લેયર હટાવવામાં આવી રહ્યા છે, જેથી કામગીરી યોગ્ય નથી, પાલિકાના અધિકારીઓ સીસી રોડની કામગીરીની ગુણવત્તા પર ધ્યાન આપે તે જરૂરી છે. બીજી તરફ સ્થાયી સમિતિના સભ્યએ તૂટેલા રોડનું કામ ખોરવાઈ રહ્યું હોવાની ફરિયાદ કરી છે. અને ખાડાઓમાં ડામર અને મટીરીયલ્સને બદલે પથ્થરો ફેંકવામાં આવતા હોવાથી વાહન ચાલકોની હાલત કફોડી બની રહી છે.
આ ફરિયાદ વચ્ચે આજે રાંદેર ઝોનના રામનગર રૂપાલી સિનેમાની સામે બનાવેલા સીસી રોડમાં ખાડા પડી ગયા હોવાની ફરિયાદ બહાર આવી છે. આ રોડ પર ઘણા સમયથી ખાડા પડી ગયા છે. સીસી રોડ પર ખાડાઓ હોવા છતાં તેનું સમારકામ કરવામાં આવતું ન હોવાથી પૂરપાટ ઝડપે આવતા વાહનચાલકો માટે આ ખાડા આફતરૂપ બની રહ્યા છે. સ્થાયી સમિતિ અને સામાન્ય સભામાં થયેલા હોબાળાને પગલે પાલિકાએ ઉતાવળમાં રોડ રિપેરિંગની કામગીરી શરૂ કરી દીધી છે, પરંતુ પાલિકા તંત્રએ રામ નગરના સીસી રોડના ખાડા પૂરવાની કોઈ કામગીરી કરી નથી, જેથી ભયનો માહોલ સર્જાયો છે. અકસ્માતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.