![]()
બોડેલીમાં રેલ્વે ટ્રેક પર વૃક્ષ ધરાશાયી છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં (31મી મે) વહેલી સવારના સમયે ભારે તોફાની પવન અને ગાજવીજ સાથે વરસાદના કારણે બોડેલી પેટા વિભાગમાં વ્યાપક નુકસાન થયું હતું. બોડેલી અને જબુગામ વચ્ચે રેલ્વે લાઇન પર પડેલા વૃક્ષને કારણે રેલ્વેની ઓવરહેડ પાવર લાઇન (OHE) તૂટી ગઈ હતી. આ અકસ્માતને કારણે બોડેલી અને છોટા ઉદેપુર વચ્ચેની ટ્રેન સેવા ખોરવાઈ ગઈ હતી.
રેલવે ટ્રેક બ્લોક થવાને કારણે ટ્રેનો અલગ-અલગ સ્ટેશનો પર રોકાઈ ગઈ હતી
મળતી માહિતી મુજબ ટ્રેક પર ઝાડ પડવાની અને હાઈ ટેન્શન વીજલાઈન તૂટવાની ઘટનાને પગલે રેલવે તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. સુરક્ષાના પગલા તરીકે, કંટ્રોલરૂમે આ રૂટની ટ્રેનોને તાત્કાલિક અસરથી કોઈપણ સ્ટેશન પર રોકવાનો આદેશ આપ્યો હતો. ડભોઇ તરફથી આવતી ટ્રેનને તાત્કાલિક બોડેલી રેલવે સ્ટેશને અટકાવી દેવામાં આવી હતી. અલીરાજપુર તરફથી આવતી ટ્રેનને છોટા ઉદેપુર રેલવે સ્ટેશન પર રોકી દેવામાં આવી હતી. ટ્રેનો અધવચ્ચે જ થંભી જતાં સવારના સમયે મુસાફરી કરતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
આ પણ વાંચો: આનંદ અડાસ રેલ્વે બ્રિજ ધરાશાયીઃ ‘આધુનિક ટેકનોલોજી હોવા છતાં ગર્ડર કેમ તૂટ્યું? અન્ય બ્રિજની પણ ચકાસણી કરાશે’-ડીઆરએમ વડોદરા
રેલવે પ્રશાસન દ્વારા યુદ્ધના ધોરણે સમારકામ શરૂ કરાયું હતું
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને રેલ્વે ટેક્નિકલ સ્ટાફ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ટ્રેક પર પડેલા વૃક્ષને કાપીને દૂર કરવાની તેમજ તૂટેલી રેલવે વીજલાઈન રિપેર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, જોરદાર પવન અને વરસાદને કારણે માત્ર રેલવે જ નહીં પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં આંતરિક ટ્રાફિક અને વીજ પુરવઠાને પણ અસર થઈ છે. અનેક જગ્યાએ વીજ થાંભલા અને નાના વૃક્ષો પડી જવાને કારણે વીજ પુરવઠો ખોરવાઈ જવાની સમસ્યા સામે આવી છે. જોકે રાહતની વાત એ છે કે આ સમગ્ર કુદરતી આફતમાં કોઈ જાનહાનિના સમાચાર નથી.