અમદાવાદ, ગુરુવાર
સેટેલાઇટમાં ઇસરો કેમ્પસ પાસે વર્ધમાન હિલ્સમાં રહેતા ગઠીયાએ સાગરીત સાથે મળીને રોકાણ કરવાના નામે જ્વેલર્સ સાથે 96 લાખની કિંમતના સોનાના સિક્કાની માંગણી કરીને પૈસા ન આપી છેતરપિંડી કરી હોવાની ફરિયાદ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. પાર્થ દલવાડી નામના ગઠિયાએ અમદાવાદ અને અન્ય શહેરોમાં સોનાના દાગીનાનો વેપાર કરતા વેપારીઓ પાસેથી ચોક્કસ પ્રકારની કામગીરી દ્વારા કરોડો રૂપિયાનું સોનું લઈને મોટા પાયે છેતરપિંડી આચરી હતી.
અમિતભાઈ સોની ઈસનપુરના આલોક બંગલોઝમાં રહે છે અને માણેકચોકમાં સોના-ચાંદીના દાગીનાનો ધંધો કરે છે. થોડા મહિના પહેલા તેને તેના પરિચિત વેપારી રાકેશ સોની (રહે. સુરભી ટેનામેન્ટ, ઈસનપુર)એ જણાવ્યું હતું કે સેટેલાઇટ ઇસરો કેમ્પસની બાજુમાં આવેલા વર્ધમાન હિલ્સ એપાર્ટમેન્ટમાં રહેતો પાર્થ દલવાડી સરકારમાં ટેન્ડર ભરીને એક મોટા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો છે. હવે તે સોનામાં રોકાણ કરવા માંગે છે. જેથી મળવાનું કહી રાકેશ સોની અમિતભાઈને પાર્થના ઘરે લઈ ગયા હતા અને રોકાણ અંગે ચર્ચા કરી હતી.
બીજા દિવસે સોનાની કિંમત જાણ્યા બાદ તેણે 96 લાખની કિંમતનું 750 ગ્રામ સોનું બુક કરાવ્યું અને સાંજે ઘરે પહોંચાડવાનું કહ્યું. જેથી અમિતભાઈ સોનું લઈને ગયા હતા અને રતનપોળમાં આવેલી આંગડિયા પેઢીમાંથી પૈસા લેવા જણાવ્યું હતું. પરંતુ, તે પછી તેણે ફોન સ્વિચ ઓફ કરી દીધો અને પૈસા ચૂકવ્યા વિના ઘરેથી ભાગી ગયો. સોનામાં રોકાણ કરવાના નામે પાર્થ દલવાડીએ અનેક જ્વેલર્સ પાસેથી કરોડો રૂપિયાનું સોનું પડાવી લીધું હોવાનું પણ બહાર આવ્યું છે. સેટેલાઇટ પોલીસે તપાસ શરૂ કરી છે.
