સુરતમાં રખડતા ઢોર સુરત મહાનગરપાલિકાએ રખડતા ઢોરની સમસ્યાને દૂર કરવા માટે શહેરમાંથી પાંચ વર્ષમાં 31,674 રખડતા ઢોરને દૂર કર્યા છે. પાલિકાએ આ કામગીરી દરમિયાન પશુપાલકો પાસેથી 3.08 કરોડ રૂપિયાનો દંડ પણ વસૂલ્યો છે. જોકે, આ પાંચ વર્ષ દરમિયાન પશુપાલકોએ પાલિકામાંથી પકડ્યા તેના કરતા વધુ પશુઓને છોડ્યા ન હતા. જેના કારણે છેલ્લા પાંચ વર્ષમાં સુરત મનપાએ 16,613 પશુઓને પાંજરા કે ગૌશાળામાં મોકલ્યા છે.
હાઈકોર્ટના આદેશ બાદ સુરત મહાનગરપાલિકાએ રખડતા ઢોરની સમસ્યાને દૂર કરવા કામગીરી વધુ આક્રમક બનાવી છે, જેના કારણે શહેરના માર્ગો પર રખડતા ઢોરનો હાલનો ત્રાસ કંઈક અંશે ઓછો થયો છે. તેમ છતાં શહેરના કેટલાક વિસ્તારોમાં હજુ પણ રખડતા ઢોરનો ત્રાસ જોવા મળી રહ્યો છે. જો કે સુરત મહાનગર પાલિકા દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં રખડતા ઢોર સામે કરાયેલી કાર્યવાહીને કારણે હવે આ ત્રાસ થોડો ઓછો થયો છે.
છેલ્લા પાંચ વર્ષમાં એટલે કે 30 જૂન 2024 સુધીમાં સુરત મહાનગરપાલિકાએ શહેરના માર્ગો પર રખડતા 31674 ઢોરને ઝડપી પાડ્યા હતા. પાલિકાની આ કામગીરી દરમિયાન પાલિકાના કર્મચારીઓ અને હઠીલા પશુપાલકો વચ્ચે અનેક વખત ઘર્ષણ પણ થયું છે અને કેટલાક કિસ્સામાં પાલિકાના કર્મચારીઓ પર હુમલા પણ થયા છે. આવા હુમલા છતાં પાલિકાએ પોલીસ બંદોબસ્ત સાથે આ કામગીરી ચાલુ રાખી છે. નગરપાલિકાએ 2019-20 થી 30 જૂન 2024 દરમિયાન શહેરના માર્ગો પરથી 31,674 રખડતા ઢોર પકડ્યા હતા. જેમાંથી 12,390 પશુઓને પશુપાલકો દ્વારા 3.08 કરોડનો દંડ ભરીને છોડવામાં આવ્યા છે.
જો કે બીજી તરફ પાલિકાએ જે પશુઓને ઝડપી પાડ્યા છે તે પૈકી અડધાથી વધુ પશુઓને છોડાવવા માટે પશુપાલકો આગળ આવ્યા નથી. જેના કારણે પાલિકાએ છેલ્લા પાંચ વર્ષમાં 16,613 ઢોરને ગૌશાળામાં કે પાંજરામાં મુક્યા છે. આ પ્રાણીઓની સારસંભાળ લેવાની જવાબદારી હવે નગરપાલિકા પર આવી રહી છે.