સુરત, તા. 25
ગુરુવારે સવારથી વરસાદ ઓછો થતાં સુરતવાસીઓ તેમજ મ્યુનિસિપલ પ્રશાસનને રાહત થઈ છે. આ ઉપરાંત નગરપાલિકાએ જે વિસ્તારમાં ખાડી ઓસરી રહી છે ત્યાં યુદ્ધના ધોરણે સફાઈની કામગીરી શરૂ કરી હતી. પાલિકાએ સફાઈ કામગીરી સાથે દવા છંટકાવની સાથે મેડિકલ વાનની પણ વ્યવસ્થા કરી છે.
સુરત શહેર અને જિલ્લામાં ગત રવિવાર સાંજથી પડી રહેલા ભારે વરસાદને કારણે શહેરમાંથી પસાર થતી ખાડીઓ ઓવરફ્લો થઈ ગઈ હતી જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. હજુ પણ સુરતમાંથી પસાર થતી સીમાડા ખાડી ઓવરફ્લો થઈ રહી છે પરંતુ મ્યુનિસિપલ કમિશનરે ખાડીના પાણી ઓછુ થતા વિસ્તારમાં સફાઈના આદેશ આપ્યા છે. જેથી તંત્રએ યુદ્ધના ધોરણે સફાઈ કામગીરી શરૂ કરી છે. પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા સફાઈ કામગીરી તેમજ જંતુનાશક દવાનો છંટકાવ પણ હાથ ધરવામાં આવ્યો છે. આ ઉપરાંત જે વિસ્તારમાં પાણી ઉતર્યા છે ત્યાં લોકોના આરોગ્યની કાળજી લેવા માટે મેડિકલ વાનની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે.