સુરત સમાચાર: સુરત શહેરના બીઆરટીએસ રૂટ પર ફરી એકવાર ખાનગી વાહનોના કારણે મ્યુનિસિપલ બસ સેવાને માઠી અસર થઈ છે. ઉધના બીઆરટીએસ રૂટમાં ખાનગી વાહનો ઘૂસી જતાં એક વાહનનું ટાયર ફાટ્યું હતું. ટાયર ફાટવાને કારણે વાહન થંભી જતાં તેની પાછળ મુસાફરોથી ભરેલી બસોની લાંબી લાઇન લાગી હતી. પાલિકા અને પોલીસની નબળી કામગીરીના કારણે આજે બસના મુસાફરો રઝળી પડ્યા હતા.
સુરત મહાનગર પાલિકાના બીઆરટીએસ રૂટ પર ખાનગી વાહનોને રોકવા માટે 4 કરોડથી વધુના ખર્ચે લગાવવામાં આવેલા સ્વિંગ ગેટ હવે શોભાના ગાંઠિયા બની ગયા છે. મોટાભાગના સ્વિંગ ગેટ કામ કરતા નથી કોન્ટ્રાક્ટર અને પાલિકા વચ્ચેની લડાઈમાં સ્વિંગ ગેટ બંધ છે. જેના કારણે પાલિકાના બીઆરટીએસ રૂટમાં ખાનગી વાહનોનું પ્રદુષણ સતત વધી રહ્યું છે.
આજે સુરત ઉધના રોડ પર ગુરુદ્વારા પાસે કેટલાક ખાનગી વાહનો બીઆરટીએસ રૂટમાં ઘૂસી ગયા હતા. કારનું એક ટાયર ફાટી ગયું હતું. જોકે, વાહન હટાવીને રિપેર કરવાને બદલે બીઆરટીએસ રૂટ પર જ વાહનના ટાયર બદલવામાં આવ્યા હતા. જેના કારણે આ રૂટમાં આવતી 8 જેટલી બસો પણ અટવાઇ પડી હતી. આ ઉપરાંત અન્ય ખાનગી વાહનો પણ રૂટ પર જામ થઈ ગયા હતા. મુસાફરોથી ભરેલી બસ લાંબો સમય ઉભી રહી જતા મુસાફરો ઉતરી ગયા હતા. અને રેલિંગ કૂદીને તેઓ રોડ પર આવી ગયા હતા અને અન્ય વાહનોમાં પોતાની જગ્યાએ ગયા હતા. ખાનગી વાહનોના કારણે સેંકડો મુસાફરો અટવાયા હતા અને પાલિકા અને પોલીસની કામગીરી સામે ભારે રોષ જોવા મળ્યો હતો.
ખાનગી વાહનોના કારણે બીઆરટીએસ રૂટમાં હંમેશા સમસ્યા રહે છે. પરંતુ પાલિકા કે પોલીસ તંત્ર આ સમસ્યાનું નિરાકરણ લાવતી નથી જેના કારણે પાલિકાની બસ સેવાને ગંભીર અસર થઇ રહી છે. પાલિકા અને પોલીસ હજુ પણ નહીં જાગે તો બીઆરટીએસ રૂટ પર ગંભીર અકસ્માત થવાની શક્યતા નકારી શકાય તેમ નથી.