સુરતના રાંદેર ઝોનમાં સુમન વંદન હાઉસિંગમાં 70 ફ્લેટમાં ભાડૂતોનો ગેરકાયદેસર કબજો
અપડેટ કરેલ: 8મી જુલાઈ, 2024
સુરત આવાસ હાઉસ : સુરત મહાનગરપાલિકા અને સરકાર દ્વારા લોકોને આવાસ આપવા માટે વિવિધ યોજના હેઠળ શહેરમાં બનાવવામાં આવેલા આવાસોમાં કેટલીક જગ્યાઓ ગેરકાયદેસર ભાડુઆતોને આપવામાં આવી છે. વેસુના આવાસોમાં ભાડૂતોની વધતી જતી સંખ્યા લાભાર્થીઓ માટે આફત બની રહી હોવાની અનેક ફરિયાદો બાદ પાલિકા તંત્ર એકાએક સફાળુ જાગ્યું છે. હાલમાં, રાંદેર ઝોનના આકારણી વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેમાં સુમન વંદન હાઉસિંગના 70 ફ્લેટમાં ભાડૂતોનો ગેરકાયદે કબજો હોવાનું બહાર આવ્યું છે. ઝોને ભાડૂઆતને નોટિસ પાઠવીને ફ્લેટ ખાલી કરવા તાકીદ કરી છે.
સુરત નગરપાલિકા વિસ્તારમાં મુખ્યમંત્રી આવાસ યોજના, પ્રધાન મંત્રી આવાસ યોજના અને અન્ય આવાસ યોજનાઓ હેઠળ હજારો આવાસ એકમો બનાવવામાં આવ્યા છે. સુરત મહાનગર પાલિકાના આઠમા ઝોનમાં રાહુલરાજ મોલ પાછળ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સુમન મલ્હાર બિલ્ડીંગ બનાવવામાં આવી છે. આ આવાસના ડી-બિલ્ડીંગમાં લાભાર્થીઓની સાથે ભાડુઆતોની સંખ્યા પણ વધી રહી છે. જેના કારણે બિલ્ડીંગમાં અનેક સમસ્યાઓ ઉભી થતા સુમન મલ્હારે ડી-બિલ્ડીંગમાં નિયમો વિરૂદ્ધ ભાડુઆતો સામે કાયદેસરની કાર્યવાહી કરવા પાલિકાના એફોર્ડેબલ હાઉસીંગ સેલમાં ફરિયાદ કરી છે. પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
રાંદેર ઝોનના જહાંગીરપુરા ખાતે મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ સુમન વંદન-1 અને સુમન વંદન-2માં ઘણા સમયથી ભાડૂતો રહેતા હોવાની ફરિયાદો ઉઠી હતી. જેના પગલે રાંદેર ઝોનના આકારણી વિભાગે સર્વે હાથ ધર્યો હતો. આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં સુમન વંદન-1માં 9 ભાડૂતો રહેતા હોવાનું અને તે જ રીતે સુમન વંદન 2માં 61 ફ્લેટમાં ભાડૂતો રહેતા હોવાનું સર્વેમાં બહાર આવ્યું હતું.
રાંદેર ઝોનમાં બનેલા બંને મકાનોમાં 70 જેટલા પરિવારો ગેરકાયદેસર રીતે ભાડુઆત તરીકે રહેતા હોવાનું પ્રકાશમાં આવતાં પાલિકાએ ભાડૂતોને નોટિસ પાઠવીને તેઓ ગેરકાયદે રહેતા હોવાથી મકાનો ખાલી કરવા જણાવ્યું છે. રાંદેર ઝોનની જેમ આઠમા ઝોન અને અન્ય ઝોનમાં પણ આવી ફરિયાદો છે તેથી ગેરકાયદેસર ભાડુઆતોને બહાર કાઢવા માટે સર્વે કરવામાં આવી રહ્યો છે.