![]()
સુરત : સુરત મહાનગરપાલિકા સંચાલિત પાલ આરોગ્ય કેન્દ્રમાં એક્સ-રે મશીન હોવા છતાં દર્દીઓ દ્વારા એક્સ-રે મશીનનો ઉપયોગ કરવામાં આવતો ન હોવાની ગંભીર ફરિયાદ બહાર આવી છે. સરળ રીતે કહીએ તો એક્સરે મશીન ખરીદ્યું છે, અને ટેકનિશિયનની નિમણૂક કરી છે પરંતુ તેમ છતાં મશીન ચાલુ ન થતાં દર્દીઓને હાલાકી ભોગવવી પડી રહી છે.
સુરતના લોકોને ઘરઆંગણે સારવાર મળી રહે તે માટે પાલિકાના દરેક વિસ્તારમાં 50 બેડની હોસ્પિટલ અને હેલ્થ સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. અનેક લોકો તેનો લાભ લઈ રહ્યા છે અને દર્દીઓની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે.
સુરતના આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓની સંખ્યામાં સતત વધારો થતા પાલિકા દ્વારા નવી સુવિધા ઉભી કરવામાં આવી રહી છે પરંતુ તેના માટે નક્કર આયોજનના અભાવે દર્દીઓને તેનો લાભ મળી રહ્યો નથી. પાલિકાના પાલ આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા ઘણા મહિનાઓથી એક્સ-રે મશીન છે. આ માટે ટેકનિશિયનોની પણ ભરતી કરવામાં આવી છે. જોકે આ એક્સ-રે મશીનનો ઉપયોગ હજુ શરૂ થયો નથી. મશીન આવી ગયા અને ટેકનીશીયન પણ તૈનાત હોવા છતાં તેનો ઉપયોગ કેમ થતો નથી તે મોટો પ્રશ્ન છે. આ અંગે પૂર્વ કોર્પોરેટરે ફરિયાદ કરી છે અને વિજીલન્સ તપાસની માંગણી પણ કરી છે. આ સાથે એક્સ-રે મશીન વહેલી તકે ચાલુ કરી દર્દીઓને લાભ મળે તેવી માંગ પણ કરવામાં આવી છે.
