સૌરાષ્ટ્રના દરિયાકાંઠે કરોડોની રકમના ડ્રગ્સ શોધવાનો સિલસિલો યથાવત છે
અફઘાનિસ્તાનથી ભરેલા ચરસના નવ પેકેટ ઝડપાયા, દરિયામાંથી તરીને કિનારે પહોંચ્યા
વેરાવળ: સૌરાષ્ટ્રના દરિયાકાંઠેથી નશીલા પદાર્થો ઝડપાઈ જવાનો સિલસિલો અટક્યો નથી. ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાના ધામલેજ ગામમાં દરિયા કિનારે રૂ. 30 કરોડની કિંમતનો ચરસનો બિનવારસાગત જથ્થો મળી આવ્યો હતો. SOGએ સુત્રાપાડા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
સુત્રાપાડાના ધામલેજ ગામે હુંડવીયા પીરની દરગાહ તરફ જવાના માર્ગે આવેલા સ્મશાન નજીકના દરિયા કિનારે કેટલાક પેકેટ બિનહરીફ પડ્યા હોવાની બાતમી મળતા એસઓજી પીઆઈ જેએન ગઢવી અને પીએસઆઈ પી.જે.બટવા સ્ટાફના માણસો સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા.
તપાસ કરતા નવા પેકેટ મળી આવ્યા હતા. એફએસએલ અધિકારીએ ટેસ્ટ કરાવ્યા બાદ ચરસ હોવાનો અભિપ્રાય આપ્યો હતો. ચરસનો કુલ જથ્થો 10.600 કિલો હતો. એસઓજીએ તેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત રૂ. 30 કરોડ આંકી હતી.
ચરસનો આ જથ્થો દરિયામાંથી તરીને કિનારે પહોંચ્યો હોવાનું એસઓજીના સૂત્રોએ જણાવ્યું હતું. અફઘાનિસ્તાન ચરસ પર પેકિંગ કરી રહ્યું છે. આ ચરસ બંધાણીઓમાં ઉચ્ચ ગુણવત્તાના માનવામાં આવે છે. ચરસનો આ જથ્થો ખરેખર દરિયામાં કેવી રીતે પહોંચ્યો અને કિનારે કેવી રીતે આવ્યો તે મુદ્દે તપાસ ચાલુ રાખવામાં આવી છે.