અમદાવાદ, બુધવાર
ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા BZ ફાયનાન્સના નામે નાણાં ડબલ કરી દેવાના અને ઊંચા વળતરની લાલચ આપીને હજારો રોકાણકારોને છ હજારથી વધુની છેતરપિંડી કરવાના કેસની તપાસ કરી રહેલી CID ક્રાઈમની ટીમને ક્રિપ્ટો અને ફોરેક્સમાં રોકાણ માટે વિદેશ મોકલવાની મહત્ત્વની કડી મળી આવી છે. બીજી તરફ, ભૂપેન્દ્ર સિંહે રોકાણકારોને ડરાવવા માટે તેના એજન્ટો અને મિત્રોનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે. જેમાં રોકાણકારોને ધમકી આપવામાં આવી રહી છે કે જો તેમના દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવશે તો તેમના પૈસા પાછા નહીં મળે. આ બાબતને ગંભીરતાથી લઈને પોલીસ કેસ નોંધશે અને ધમકી આપનારા એજન્ટો સામે કાર્યવાહી કરશે. BZ ફાયનાન્સના નામે, ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના હજારો લોકોને ત્રણ વર્ષમાં રોકાણ પરના નાણાં બમણા કરીને અને રોકાણ પર માસિક 3 ટકા સુધીના વ્યાજની ઓફર કરીને છ હજાર કરોડથી વધુની રકમની ઉચાપત કરી છે. આ કેસમાં નાણા બાબતે પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવશે તેવા ડરથી મોટાભાગના રોકાણકારો હજુ પણ પોલીસ સમક્ષ આવવાનું ટાળી રહ્યા છે.