![]() |
છબી: ટ્વિટર |
બોરસદમાં ભારે વરસાદ સૌરાષ્ટ્ર અને કચ્છમાં સાર્વત્રિક વરસાદ બાદ હવે આણંદના બોરસદમાં મેઘરાજાએ પધરામણી કરી છે. હવામાન વિભાગે આજે ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે. ત્યારે બોરસદમાં 4 કલાકમાં 13 ઈંચ જેટલો મુશળધાર વરસાદ પડતાં પાણી બોમ્બની સ્થિતિ સર્જાઈ છે. નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળતા રસ્તાઓ નદીઓમાં ફેરવાયા હોય તેવું લાગી રહ્યું છે.
અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા
અગાઉ સૌરાષ્ટ્રના પોરબંદર, દ્વારકા, જામનગર અને ત્યારબાદ કચ્છના ભુજ, નખત્રાણા અબડાસા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. ત્યારે હવે ઉત્તર ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. હવામાન વિભાગે આજે અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. દરમિયાન આણંદના બોરસદમાં બે કલાકમાં 8 ઈંચથી વધુ અને 4 કલાકમાં 13 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
બોરસદમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જેમાં જનતા બજાર, સ્ટેશન રોડ, શંકર પાર્ક ચોક, વહેરા કવિતા સોસાયટી વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે. જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જેના કારણે અનેક લોકો ફસાયા હતા. આ લોકોને SDRFની ટીમે તરત જ બચાવી લીધા હતા અને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.