વડોદરા ચોરીનો કેસ : વડોદરાના ન્યુ વીઆઇપી રોડ પર આવેલા ખોડિયાર નગરમાં રહેતા રેખાબેન ગીરીશભાઇ ગોહિલના ઘરે દશામાની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. ગત 14મી ઓગસ્ટે જ્યારે તેઓ ઘરને તાળું મારીને પુત્ર રાજપૂત અને પુત્રી સાથે મૂર્તિ વિસર્જન કરવા ભાડે ટ્રેક્ટર લઈને હરાણી તળાવ પર ગયા ત્યારે ત્યાં ભારે ભીડ હતી. જેથી તેઓ દરજીપુરા ગામ પાસેના તળાવમાં મૂર્તિ વિસર્જન કરવા ગયા હતા. સવારે મૂર્તિનું વિસર્જન કરીને તેઓ ઘરે પરત ફર્યા ત્યારે ઘરના દરવાજાનું તાળું તૂટેલું હતું. ઘરમાં તપાસ કરતાં સામાન વેરવિખેર હતો અને તિજોરી ખુલ્લી હતી. ચોરોની ટોળકીએ ઘરમાંથી રૂ. 20,000ના સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂ. 1.83 લાખની ચોરી કરી જતાં પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. જે બાદ બાપોદ પોલીસે સમગ્ર ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે.