ચેમ્બર પ્રમુખે શિકાગોમાં અગ્રણી ઉદ્યોગપતિઓને મિશન ૮૪થી વાકેફ કરી સુરતના ઉદ્યોગકારો સાથે જોડાઇને ભારતથી એક્ષ્પોર્ટ વધારવા માટે અપીલ કરી
સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ રમેશ વઘાસિયા, માનદ્ ખજાનચી કિરણ ઠુમ્મર અને પૂર્વ માનદ્ ખજાનચી ભાવેશ ગઢીયાએ SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ અંતર્ગત બુધવાર, તા. ૧૦ એપ્રિલ ર૦ર૪ના રોજ સુરત, ગુજરાત અને ભારતના ઉદ્યોગ સાહસિકોને અમેરિકાના બિઝનેસમેનો સાથે જોડવાના આશયથી તેઓને એમ્બેસી સાથે કનેકટ કરી અને તેના દ્વારા વધુ માહિતી મળે અને વધુ ઉદ્યોગકારો મિશન ૮૪ની સાથે કનેકટ કરાવવાના આશયથી અમેરિકામાં શિકાગો શહેરની મુલાકાત લીધી હતી.
શિકાગોમાં મોટા ગજાના ઉદ્યોગપતિ તેમજ ખૂબ સારું બિઝનેસ નેટવર્ક ધરાવતા રશિદભાઇ અજીજ અને તેમની સાથે તેમની ફેકટરીની મુલાકાત કરી તેઓને ચેમ્બર ઓફ કોમર્સના SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ની વિસ્તૃત માહિતી આપી હતી. સુરતના ઉદ્યોગકારો સાથે જોડવા માટે તેમની સાથે ચર્ચા વિચારણા કરી હતી, જેનો ઉદ્યોગ અગ્રણી રશિદભાઇ અજીજે ખૂબ સારો પ્રતિસાદ આપ્યો હતો.
શિકાગો સહિત અમેરિકાના જુદા–જુદા શહેરોમાં ૬પ કરતા વધુ પોતાના ગ્રોસરી સ્ટોર્સ ધરાવતા અને પટેલ બ્રધર્સના નામથી સમગ્ર અમેરિકામાં ગ્રોસરી ચેઇન ધરાવતા મફતભાઇ પટેલની સાથે પણ ચેમ્બર પ્રમુખે મુલાકાત કરી હતી અને તેઓને પણ મિશન ૮૪થી વાકેફ કર્યા હતા. મફતભાઇ પટેલ પણ મિશન ૮૪થી ખૂબ જ પ્રભાવિત થયા હતા અને તેઓએ પણ આ પ્રોજેકટની સાથે ત્યાંના બિઝનેસમેનોને જોડવા સંપૂર્ણ સહકાર આપવાની ખાત્રી આપી હતી.
મફતભાઇ પટેલે ચેમ્બર પ્રમુખને જણાવ્યું હતું કે, સુરત જિલ્લાના બારડોલી ખાતેથી તેઓ મેંગો, પલ્પ, નમકીન અને વિવિધ ફૂડ ઇમ્પોર્ટ કરે છે. આથી સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીની સાથે સંકળાયેલા ઉદ્યોગકારોને મફતભાઇ પટેલને ફૂડ પ્રોડકટ એક્ષ્પોર્ટ કરવા માટે ઘણી સારી તકો રહેલી છે. સુરતના ઉદ્યોગકારો માટે શિકાગોમાં પટેલ બ્રધર્સ એન્ટ્રી ગેટ છે. મફતભાઇ પટેલ જેવા અગ્રણી ઉદ્યોગપતિઓના સીધા સંપર્કથી સુરતના ઉદ્યોગકારો પોતાની પ્રોડકટ શિકાગો તથા અમેરિકા અન્ય શહેરોમાં એક્ષ્પોર્ટ કરી શકે તેમ છે.
આ ઉપરાંત ચેમ્બર પ્રમુખે શિકાગોના અગ્રણી ઉદ્યોગપતિઓ હરીભાઇ ભેંસાણીયા, ઘનશ્યામભાઇ સાંગાણી, ચતુરભાઇ સાવલિયા, નિરવભાઇ પટેલ વિગેરેની મુલાકાત લઇ તેઓને મિશન ૮૪ની માહિતી આપી તેઓની સાથે ચર્ચા વિચારણા કરી હતી અને સુરતના ઉદ્યોગકારો સાથે જોડાઇને એક્ષ્પોર્ટ વધારવા માટે અપીલ કરી હતી. જેનો અગ્રણી ઉદ્યોગપતિઓએ ખૂબ સારો પ્રતિસાદ આપ્યો હતો. જો કે, ટુંકી નોટિસને કારણે વધુ ઉદ્યોગ અગ્રણીઓ સાથે સંપર્ક થઇ શકયો ન હતો, પરંતુ આવનારા સમયમાં મોટી સંખ્યામાં અમેરિકાના બિઝનેસમેનો સાથે જોડાઇને આંતરરાષ્ટ્રીય વેપાર વધારવા માટે પ્રતિબદ્ધતા વ્યકત કરી સંપૂર્ણ સહકારની ખાત્રી આપી હતી.
આ ઉપરાંત ચેમ્બર પ્રમુખ રમેશ વઘાસિયા દ્વારા શિકાગોના અગ્રણી ઉદ્યોગપતિઓને ચેમ્બર ઓફ કોમર્સની વિવિધ પ્રવૃત્તિઓ, ચેમ્બરના સભ્યોની સંખ્યા, વિવિધ ઉદ્યોગલક્ષી પ્રદર્શનો, કોન્કલેવ, વર્કશોપ અને સેમિનારો વિગેરેનું જે આયોજન કરવામાં આવે છે તેનાથી વાકેફ કરવામાં આવ્યા હતા. ચેમ્બર ઓફ કોમર્સની ઉદ્યોગલક્ષી પ્રવૃત્તિઓ તેમજ મિશન ૮૪ અંતર્ગત જે એક્ષ્પોર્ટલક્ષી પ્રવૃત્તિઓ થઇ રહી છે તે જાણીને પણ તેઓ ઘણા પ્રભાવિત થયા હતા.
ચેમ્બર પ્રમુખે શિકાગોના અગ્રણી ઉદ્યોગપતિઓને મિશન ૮૪ની વિગતો આપતા જણાવ્યું હતું કે, ભારતના માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ ર૦ર૭ સુધીમાં ભારતને પ ટ્રિલિયન યુએસ ડોલર ઇકોનોમી બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે અને એના માટે ભારતના ઉદ્યોગકારોને ૧ ટ્રિલિયન યુએસ ડોલરનો એક્ષ્પોર્ટ કરવા માટેનો ટારગેટ આપ્યો છે. વડાપ્રધાનના આ લક્ષ્યને પૂર્ણ કરવા માટે તેમજ ભારતને આર્થિક રીતે વધુ મજબૂત બનાવવાના હેતુથી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ વિઝન હાથ ધર્યું છે અને તેના અંતર્ગત ઓનલાઇન ઈન્ટરનેશનલ પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું છે.
મિશન ૮૪ અંતર્ગત ઓનલાઇન ઇન્ટરનેશનલ પ્લેટફોર્મની સાથે ભારતના ૮૪,૦૦૦ ઉદ્યોગકારો – વેપારીઓ અને એક્ષ્પોર્ટર્સને તથા વિશ્વના જુદા–જુદા દેશોમાં બિઝનેસ કરતા ૮૪,૦૦૦ બિઝનેસમેનોને ઓનબોર્ડ કરવામાં આવી રહયા છે. અત્યાર સુધીમાં આ પ્લેટફોર્મની સાથે ૧ર હજારથી વધુ બિઝનેસમેનો જોડાઇ ગયા છે. મિશન ૮૪ અંતર્ગત સુરત ઉપરાંત ગુજરાત અને ભારતથી વિશ્વના વિવિધ દેશોમાં રૂપિયા ૮૪,૦૦૦ કરોડનું એક્ષ્પોર્ટ થાય તે માટે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સઘન પ્રયાસો કરવામાં આવી રહયા છે. એવી જ રીતે ભારતની ૮૪ ચેમ્બર ઓફ કોમર્સને તથા વિશ્વના જુદા–જુદા ૮૪ દેશોની ચેમ્બર ઓફ કોમર્સને પણ આ ઓનલાઈન ઈન્ટરનેશનલ પ્લેટફોર્મ પર લાવવા મિટીંગો થઇ રહી છે.
મિશન ૮૪ અંતર્ગત ભારતમાં કાર્યરત ૮૪ દેશોના કોન્સુલ જનરલ, હાઇ કમિશ્નર અને એમ્બેસેડર તેમજ વિશ્વના ૮૪ દેશોમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતા વિવિધ એમ્બેસેડર્સને પણ આ પોર્ટલ પર ઓનબોર્ડ કરવા મિટીંગો થઇ રહી છે. જેના ભાગ રૂપે અત્યાર સુધીમાં ૪પથી વધુ દેશોના કોન્સુલ જનરલ, એમ્બેસેડર તથા ઓફિશિયલ્સ સુરત ખાતે ચેમ્બર ઓફ કોમર્સની મુલાકાતે આવ્યા હતા અને સુરતના ઉદ્યોગકારોને સાથે વન ટુ વન બિઝનેસ મિટીંગો કરી ઉદ્યોગકારોને એક્ષ્પોર્ટ માટેની તકો વિશે જાણકારી આપી હતી.