ગુજરાતમાં વરસાદની સ્થિતિ: રાજકોટ, જામનગર અને નવસારી સહિત અનેક ભાગોમાં ભારે વરસાદ
અપડેટ કરેલ: 15મી જૂન, 2024
ગુજરાત વરસાદ: ગુજરાતમાં ચોમાસું સત્તાવાર રીતે આવી ગયું છે. આજે (15મી જૂન) રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી વાતાવરણ સર્જાયું છે. રાજકોટમાં કાલાવડ રોડ, એરપોર્ટ રોડ, હનુમાન મોટી ચોક, જિલ્લા પંચાયત ચોક, કલેક્ટર કચેરી, યાજ્ઞિક રોડ સહિતના વિસ્તારોમાં સતત બીજા દિવસે વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત અમરેલી, જામનગર, નવસારી, ડાંગ અને ભરૂચમાં મેઘરાજાએ પધરામણી કરી હતી.
સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ
સૌરાષ્ટ્રમાં આજે પણ વરસાદ પડયો હતો. આજે બપોર બાદ વાદળછાયા વાતાવરણ વચ્ચે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. રાજકોટ, અમરેલી, જામનગર, ભાવનગર, જામનગર, દ્વારકા સહિતના જિલ્લાઓમાં વરસાદ પડ્યો હતો. અચાનક પડેલા વરસાદને કારણે નીચાણવાળા અનેક ગામોમાં પાણી ભરાઈ ગયા હતા.
અમરેલી જિલ્લાના વડીયા પંથકમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. વડીયા શહેર અને આજુબાજુના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી વહી ગયા હતા. નવસારીમાં આજે વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો હતો અને અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
છેલ્લા 24 કલાકમાં 25 તાલુકામાં વરસાદ
જો રાજ્યમાં છેલ્લા 24 કલાકની વાત કરીએ તો 25 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં ઉત્તર ગુજરાત, દક્ષિણ અને મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ભાવનગર જિલ્લાના પાલિતાણામાં સૌથી વધુ 30 મીમી વરસાદ નોંધાયો છે. પાલિતાણા બાદ ડાંગના વઘઈમાં 12 મીમી, ભાવનગરના તળાજામાં 11 મીમી જ્યારે ગાંધીનગરના માણસામાં 9 મીમી વરસાદ નોંધાયો છે.
ભારે પવનથી વૃક્ષો પડી શકે છે!
હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી મુજબ રાજ્યના વિવિધ ભાગોમાં છૂટોછવાયો વરસાદ પડશે. પરંતુ 17મીથી 22મી જૂન સુધી ભારે પવન સાથે વરસાદ પડશે. જેમાં કેટલીક જગ્યાએ વૃક્ષો પડી જવાની અને કાચા મકાનોના છાપરા ઉડી જવાની સંભાવના છે.’