![]()
ગુજરાત હવામાન અપડેટ: ગુજરાતમાં ધીમે ધીમે શિયાળો બેસવા લાગ્યો છે. ઉત્તર દિશાના ઠંડા પવનોને કારણે રાજ્યભરમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. ગત રાત્રિના આંકડાઓ મુજબ રાજ્યના 8 શહેરોમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીથી નીચે નોંધાયું હતું. નલિયા અને દાહોદમાં સૌથી વધુ 10.8 ડિગ્રી ઠંડી નોંધાતા જનજીવન પ્રભાવિત થયું હતું. જ્યારે અમરેલી, વડોદરા, ગાંધીનગર, ડીસા, રાજકોટ, પોરબંદર અને અમદાવાદ સહિત ગુજરાતના અન્ય સ્થળોએ સોમવારે રાત્રે તાપમાન 15 ડિગ્રીથી નીચે નોંધાયું હતું. અમદાવાદમાં સરેરાશ લઘુત્તમ તાપમાન 14.8 ડિગ્રી નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 1.9 ડિગ્રી ઓછું હતું.
આગામી 5 દિવસની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદમાં આગામી પાંચ દિવસ સુધી તાપમાન 15 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જો કે હવામાન નિષ્ણાતોનું માનવું છે કે 20મી પછી ઠંડીની તીવ્રતા હળવી થઈ શકે છે. ત્યાં સુધી રાજ્યભરમાં ઠંડીનો માહોલ યથાવત રહેશે. સોમવારે દિવસ દરમિયાન અમદાવાદનું સરેરાશ મહત્તમ તાપમાન 29.7 ડિગ્રી સાથે સામાન્ય કરતાં 3.5 ડિગ્રી ઓછું હતું.
માઉન્ટ આબુ 0 ડિગ્રી, ઠંડી કેમ?
હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં વર્તમાન સિઝનનું સૌથી ઓછું તાપમાન 0 ડિગ્રી નોંધાયું છે. હવામાન નિષ્ણાતોના મતે ઉત્તરીય ભાગોમાં ઠંડીમાં વધારો થવાથી અને ત્યાંથી સતત ફૂંકાતા પવનને કારણે સમગ્ર ગુજરાતમાં ઠંડીનું જોર વધ્યું છે.
સૌથી ઓછું તાપમાન ક્યાં છે?
| શહેર | તાપમાન |
| નલિયા | 10.8 |
| દાહોદ | 10.8 |
| અમરેલી | 11.4 |
| વડોદરા | 12.4 |
| ગાંધીનગર | 12.8 |
| ડીસા | 13.6 |
| રાજકોટ | 14.0 |
| પોરબંદર | 14.0 |
| અમદાવાદ | 14.8 |
| ભુજ | 15.2 |
| ભાવનગર | 15.9 |
| કંડાલા | 16.7 |
| સુરત | 19.4 |