સુરત
કોર્પોરેટરની રિમાન્ડની માંગણી ફગાવી : ગેરકાયદેસર કસ્ટડીનો આક્ષેપ કરતા કોર્ટે બચાવ પક્ષને દસ દિવસમાં ખુલાસો કરવા આદેશ કર્યો
એસીબીએ આરોપી કોર્પોરેટર વિપુલ સુહાગીયાને સમન્સ પાઠવી પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. સુનાવણીમાં સરકાર તરફે એપીપી દિપેશ દવેએ જણાવ્યું હતું કે, આરોપીએ પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને લાંચની માંગણી કરી હોય તે સ્થળનું પંચનામું કરવાનું છે. આરોપી કોર્પોરેટર છે અને ત્રણ વર્ષથી સરકારી કામ કરતો કોન્ટ્રાક્ટર છે, જાહેર કામો કરવા માટે અન્યો પાસેથી લાંચ માંગવામાં આવી છે કે કેમ તેની તપાસ કરવાની છે. હાલમાં આ બે કોર્પોરેટરો વિપુલ સુહાગીયા અને જીતેન્દ્ર કાછડીયા સિવાય અન્ય કોઈ સંડોવણી છે કે કેમ??શું આ મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ પહેલા ભ્રષ્ટાચાર કરવા માટે કરવામાં આવ્યો છે?? આરોપીઓના કૃત્યમાં સુરત મ્યુ.કોર્પોરેશનના અધિકારીઓ-કર્મચારીઓની સંડોવણી છે કે કેમ તેની તપાસ કરવાની છે.
જેના વિરોધમાં ગોપાલ ઇટાલિયાએ આરોપીનો બચાવ કર્યો હતો,દીપક કોક્સે એસીબીની કસ્ટડી ગેરકાયદેસર હોવાનો આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે એસીબીએ જે કલમ હેઠળ આરોપીની ધરપકડ કરી છે તેના કારણો આરોપીઓને જણાવવા જોઈએ. જેના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટે અર્નેસ્ટ કુમાર અને અશફાકબાલના ચુકાદામાં આરોપીઓની ધરપકડ અને ધરપકડ ન કરવા અંગે આપેલી માર્ગદર્શિકાનું પાલન કર્યું નથી. ચાર માસ પહેલા બનેલા બનાવ સંદર્ભે એક માસ પહેલા કરેલ રેકોર્ડીંગમાં ફરીયાદી હાજર નથી. તો રેકોર્ડીંગ કોણે કર્યું તે પ્રશ્નનો જવાબ મળતો નથી. આ અંગે આરોપીએ મે મહિનામાં તપાસ અધિકારી સમક્ષ નિવેદન નોંધાવ્યું હતું. ગાંધીનગર એફએસએલમાં સ્પેક્ટ્રોગ્રાફી માટે નમુનાઓ આપવામાં આવે છે. આરોપીની ગઈકાલે કોર્ટની બહાર ધરપકડ કરવામાં આવી છે જ્યારે તેની આગોતરા જામીન અરજી પેન્ડિંગ છે. જેથી બંને પક્ષોની સુનાવણી બાદ કોર્ટે આરોપી વિપુલ સુહાગીયાની રિમાન્ડની માંગણી ફગાવી દશ દિવસમાં ગેરકાયદે કસ્ટડી અંગે બચાવના આક્ષેપનો ખુલાસો કરવા તપાસ અધિકારીને આદેશ કર્યો હતો.