આણંદ: રાજ્યમાં નદી, તળાવ કે કેનાલોમાં ડૂબી જવાના બનાવો વધી રહ્યા છે. જ્યારે આણંદના ખાનપુર પાસેની મહી નદીમાં એક જ પરિવારના ચાર સભ્યોના ડૂબી જવાથી વિસ્તારમાં ભારે શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.
આ બનાવની વિગત એવી જાણવા મળી છે કે આણંદ ખાનપુર નજીકથી પસાર થતી મહી નદીમાં ન્હાવા જતા એક જ પરિવારના ચાર સભ્યો ડૂબી ગયા હતા. ગ્રામ્ય વિસ્તારના પરિવારજનો મહી નદીમાં ન્હાવા ગયા હતા. જ્યારે એક મહિલા ડૂબવા લાગી ત્યારે અન્ય ત્રણ સભ્યો પણ તેને બચાવવા ગયા હતા. જોકે, તરીને ન આવડતું તમામ લોકો ડૂબી જવાથી મૃત્યુ પામ્યા હતા. સ્થાનિક તરવૈયાઓની મદદથી ચારેય મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા.
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ ગામમાં મસ્જિદની સામે રહેતા વાઘેલા પરિવારના પાંચ સભ્યો ખાનપુર નજીકથી પસાર થતી મહિસાગર નદીમાં ન્હાવા ગયા હતા. તેઓ નદીમાં ન્હાતા હતા ત્યારે વૈશુબેન રાજેશભાઈ સોલંકી પાણીના ધસમસતા પ્રવાહમાં ડૂબવા લાગ્યા હતા. જેથી સુરેશભાઇ ઇશ્વરભાઇ વાઘેલા, પ્રકાશભાઇ બાબુભાઇ વાઘેલા અને જ્યોતિબેન પ્રકાશભાઇ વાઘેલાએ પોતાના જીવની પરવા કર્યા વગર આ વૈશુબેનને બચાવવા નદીના ઉંડા પાણીમાં પડી ગયા હતા. જોકે, તેઓને તરવું ન આવતું હોવાથી આ ત્રણ લોકો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં આણંદ ફાયર બ્રિગેડની ટીમ રેસ્ક્યુ બોટ અને તરવૈયાઓ સાથે ઘટનાસ્થળે પહોંચી હતી. જોકે, ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચે તે પહેલા સ્થાનિક તરવૈયાઓએ ચારેયના મૃતદેહને નદીમાંથી બહાર કાઢ્યા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક ખંભોળજ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી હતી. (ફાઇલ ફોટો)