અમદાવાદ, સોમવાર
અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા હાલ પોલીસ માટે સૌથી મોટી ચિંતાનો વિષય છે. હાલમાં પોલીસ કમિશનરે ટ્રાફિક વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરી ટ્રાફિક સમસ્યાના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી મહત્વના સુધારા અમલમાં મુક્યા છે. જેમાં નારોલ-પીરાણા, સરખેજ-જુહાપુરા, પેલેડીયમ મોલ સહિતની મહત્વની ટ્રાફિક વ્યવસ્થા સુચવવામાં આવી છે.
અમદાવાદમાં વાહનોની સંખ્યા વધવાની સાથે સાંકડા રસ્તાઓને કારણે ટ્રાફિકની સમસ્યા ખૂબ જ ગંભીર બની રહી છે. જેના અનુસંધાને પોલીસ કમિશનર દ્વારા ટ્રાફિક વિભાગના અધિકારીઓને ખાસ તાકીદ કરવામાં આવી હતી. આ સૂચનમાં અમદાવાદના કેટલાક મહત્વના ટ્રાફિક પોઈન્ટ પર ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે વિવિધ આયોજનો કરવામાં આવ્યા છે. આ માટે ટ્રાફિક ડીસીપી નરેશ કણઝારિયાને ખાસ જવાબદારી સોંપવામાં આવી છે.
જેના અનુસંધાને અનેક એકશન પ્લાન અમલમાં મુકવામાં આવ્યા છે. ખાસ કરીને પીરાણા ચાર રસ્તા પર હાલમાં બ્રિજનું કામ ચાલી રહ્યું હોવાથી ડાયવર્ઝન આપી નવા કટથી વાહનવ્યવહાર શરૂ કરી ટ્રાફિક સમસ્યામાં રાહત મળી છે. ત્યારે અમદાવાદમાં અનેક પોઈન્ટ પર રોડ પરના કટ બંધ કરવાની સાથે નવા કટ શરૂ કરવામાં આવશે.
હાલમાં શહેરમાં સરખેજ-જુહાપુરા સર્કલ, ઉજાલા સર્કલ, સાણંદ સર્કલ, નરોડા પાટિયા સર્કલ, વાડજ સર્કલ, પેલેડિયમ મોલ સહિતના પોઈન્ટ પર ટ્રાફિકની સમસ્યા માટે સર્વે કરવામાં આવી રહ્યો છે. જેમાં ચોક્કસ એકશન પ્લાન અમલમાં મૂકીને કટ નક્કી કરવામાં આવશે. આ ઉપરાંત અમદાવાદમાં અત્યારે ફ્રી લેફ્ટનો અમલ થઈ શકતો નથી. જેના કારણે ટ્રાફિકની સમસ્યા વધુ ગંભીર બની છે. જો કે, આ માટે ટ્રાફિક વ્યવસ્થાપન માટે વધારાની 450 ટ્રાફિક બ્રિગેડને સોંપવામાં આવશે. આ ઉપરાંત કેટલાક ચાર રસ્તા પર ટ્રાફિક સિગ્નલના ટાઈમર પણ વધી ગયા છે. જેની સમયરેખામાં ઘટાડો થશે. આમ આગામી દિવસોમાં ટ્રાફિક સમસ્યાને અનુલક્ષીને કામ કરવામાં આવશે.
