– સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આંદોલન શરૂ કરવામાં આવશે
– રોડ, રસ્તા, પાણી સહિતની સમસ્યાઓ અંગે ખોટા વચનો આપતા સ્થાનિકોમાં આક્રોશ
સુરેન્દ્રનગર: દૂધરેજના ફુલવાળી વિસ્તારમાં રહેતી મહિલાઓ અને રહીશોએ સુરેન્દ્રનગર મનપા કચેરી ખાતે પ્રાથમિક સુવિધાઓ અંગે ઉગ્ર ફરિયાદો કરી હતી. જો આગામી દિવસોમાં સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી.
દૂધરેજના ફુલવાળી વિસ્તારમાં તત્કાલીન સુરેન્દ્રનગર સંયુકત નગરપાલિકાના સત્તાધીશો દ્વારા છેલ્લા ઘણા સમયથી રોડ, ગટર, પાણી, સફાઈ સહિતની પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં આવતી નથી જેના કારણે અહી રહેતા અનેક પરિવારોને હાલાકી ભોગવવી પડી રહી છે. અગાઉ મ્યુનિસિપલ સત્તાવાળાઓને મૌખિક અને લેખિત રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો ન હતો. ત્યારે ફુલવાળી વિસ્તારની મહિલાઓ અને રહીશો મોટી સંખ્યામાં નગરપાલિકા કચેરીએ ઉમટી પડયા હતા અને બાકી રહેલા પ્રશ્નોનું નિરાકરણ આવશે તેવી આશા સાથે પ્રાથમિક સુવિધાઓના મુદ્દે ઉગ્ર રજૂઆત કરી હતી.